android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

calendar_todayJanuary 19, 2026

Surat: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત એવા સાપના ઝેરના સ્મગલિંગના નેટવર્કનો સુરત SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના લસકાણા વિસ્તારમાંથી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી અત્યંત કિંમતી એવું 6.5 મિલીલીટર કોબ્રા સાપનું ઝેર મળી આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹5.85 કરોડ અંકાય રહી છે.

સાપના ઝેરના સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ 

સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે લસકાણા વિસ્તારમાં કેટલાક ઇસમો સાપના ઝેરના વેચાણ માટે એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરી હતી, જેમાં 7 આરોપીઓને વાંધાજનક મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા. આ ઝેર કોબ્રા (નાગ) જેવી ખતરનાક પ્રજાતિના સાપનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સાપના ઝેરનો બહુવિધ ઉપયોગ

કોબ્રા સાપનું ઝેર મેડિકલ ક્ષેત્રે ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પકડાયેલા ઝેરનો ઉપયોગ વિવિધ ગંભીર બીમારીઓની દવા બનાવવા માટે થતો હોય છે.  સાપ કરડ્યા પછી તેનો જીવ બચાવવા માટેની દવા (એન્ટી વેનોમ) બનાવવા માટે આ ઝેર અનિવાર્ય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, લોહી ગંઠાવવાની પ્રક્રિયા રોકવા અને હાર્ટ એટેકથી બચવા માટેની દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. કેન્સરના ઉપચારમાં પણ સાપના ઝેરના અંશો ઉપયોગી સાબિત થયા છે.

રેવ પાર્ટીઓમાં નશા માટે પણ ઉપયોગ

તબીબી ઉપયોગ ઉપરાંત, આ પ્રકારના ઝેરનો દુરુપયોગ રૅવ પાર્ટીઓમાં નશાકારક પદાર્થ તરીકે પણ કરવામાં આવતો હોય છે. હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં નશાની ઉત્તેજના વધારવા માટે આ અત્યંત જોખમી ઝેરનું સ્મગલિંગ કરવામાં આવતું હોવાની શંકા છે. આટલી મોટી માત્રામાં અને કરોડોની કિંમતનું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ સ્મગલિંગ પાછળ અન્ય કોઈ મોટા ગજાના શખ્સો કે આંતરરાજ્ય ગેંગ સામેલ છે કે કેમ, તે દિશામાં સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ડેટિંગ એપથી યુવાનોને ફસાવી નકલી પોલીસ બની લૂંટતી બે મહિલા સહિત 6 ઝડપાયા