calendar_todayMay 10, 2026
Surat: કતારગામ બ્રિજ પર AMNS ની બસ ડિવાઈડર પર ચડી, સેફ્ટી ગ્રીલને કારણે મોટી જાનહાનિ ટળી
શહેરના કતારગામ બ્રિજ પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. AMNS કંપનીના કર્મચારીઓને લઈ જતી એક બસ અચાનક વળાંકમાં બેકાબૂ બની હતી અને બ્રિજની સાઈડના ડિવાઈડર અને ગ્રીલ પર ચડી ગઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બસનું એક ટાયર હવામાં લટકતું જોવા મળ્યું હતું.
મોટી દુર્ઘટના ટળી
બસ જ્યારે વળાંક લઈ રહી હતી ત્યારે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે બ્રિજ પર લગાવવામાં આવેલી મજબૂત સેફ્ટી ગ્રીલને કારણે બસ નીચે ખાબકતા બચી ગઈ હતી. જો બસ ગ્રીલ તોડીને નીચે પડી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
અકસ્માત ઝોન બન્યો બ્રિજ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કતારગામ બ્રિજ પર આવેલો આ વળાંક અકસ્માતો માટે કુખ્યાત બન્યો છે. અગાઉ પણ આ સ્થળે અનેક નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. ડ્રાઈવરો દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવવામાં આવતા હોવાને કારણે વળાંકમાં કાબૂ જળવાતો નથી અને અકસ્માત સર્જાય છે.