android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: સ્કૂલના બાળકોને છરી બતાવી 1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા

calendar_todayFebruary 23, 2026

Surat News: સ્કૂલના બાળકોને છરી બતાવી 1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા

ડાયમંડ સિટી સુરતમાં લુખ્ખાતત્વોનો ત્રાસ સતત વધી રહ્યો તેમ જણાઈ રહ્યું છે. જે કારણે સુરત પોલીસે આવા અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી છે. વરાછા વિસ્તારમાં સ્કૂલે જતા માસૂમ બાળકોને ડરાવી-ધમકાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે.

ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

ઘટનાની વિગત મુજબ, પુણા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને નિશાન બનાવી ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો. રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર અને મિત ખૂંટ નામના આ શખ્સોએ બાળકોને રસ્તામાં આંતરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ડરના ઓથાર હેઠળ આરોપીઓએ ટુકડે-ટુકડે કરીને બંને બાળકો પાસેથી કુલ રૂપિયા 1.50 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી.

વાલીઓની ફરિયાદ અને પોલીસ એક્શન

બાળકો સતત ડરના સાયે જીવી રહ્યા હતા, જેની જાણ વાલીઓને થતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. વાલીઓની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ—રોશન, ભાવિક અને મિતને ઝડપી લીધા છે.

પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

વરાછા પોલીસ દ્વારા આ મામલે કડક હાથે કામગીરી કરી છે અને આવા આવારા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા બાળકોને પોતાનો શિકાર બનાવ્યા છે. સુરત પોલીસની આ કામગીરીથી વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો -  Surat News : સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પૂનમની બહેન પ્રિયાને પોલીસે તેડું મોકલ્યું, મિલકતને લઈ પૂછપરછ થઈ શકે છે