android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: લિંબાયત ઝોનમાં ટેક્સ નહીં ભરનાર 107 દુકાનો સીલ, વેપારીઓમાં મચ્યો ફફડાટ!

calendar_todayFebruary 5, 2026

Surat News: લિંબાયત ઝોનમાં ટેક્સ નહીં ભરનાર 107 દુકાનો સીલ, વેપારીઓમાં મચ્યો ફફડાટ!

સુરત મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે અત્યારે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લિંબાયત ઝોન દ્વારા આજે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરતા મિલકતદારો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરીને 5 જેટલા માર્કેટની કુલ 107 દુકાનોને મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે.

સીલિંગની કાર્યવાહીથી ફફડાટ

સુરત શહેરના લિંબાયત ઝોનની ટેક્સ વિભાગની ટીમે સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી હતી. જે વેપારીઓએ અનેક નોટિસો આપ્યા બાદ પણ વેરાની ભરપાઈ કરી ન હતી, તેમની દુકાનો પર સીલ મારવામાં આવ્યું હતું. આ જોરદાર કાર્યવાહીને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની કડક કાર્યવાહીના પડઘા રૂપે અનેક વેપારીઓએ પોતાની મિલકતો સીલ થતી બચાવવા માટે સ્થળ પર જ ટેક્સ ચૂકવવાની તૈયારી બતાવી હતી.

લાખોની વસૂલાત

સુરત મનપાની આ ઝુંબેશ એટલી અસરકારક રહી કે, કેટલાય વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરાની રકમની ભરપાઈ કરી દીધી હતી. પાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, આજની આ આખી કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 43.74 લાખ જેવી મોટી રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આગામી દિવસોમાં પણ સુરતના અન્ય ઝોનમાં આ પ્રકારે ટેક્સ વસૂલાતની કામગીરી વધુ તેજ કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


આ પણ વાંચો - Surat: કતારગામનો AQI 300ને પાર પહોંચતા પાલિકા એક્શનમાં, 34 ચીમનીઓ પર રખાશે બાજ નજર