calendar_todayJune 21, 2026
Surat News: મનપામાં 12 સમિતિઓ રચાશે, મહિનાથી ઠપ્પ પડેલા વિકાસકાર્યો હવે શરૂ થશે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને પોણા બે મહિના વીતી ગયા બાદ આખરે વિવિધ કમિટીઓના ગઠન માટેનું મુહૂર્ત નીકળ્યું છે.આગામી 30 જૂને મળનારી મનપાની સામાન્ય સભામાં 12 ખાસ સમિતિઓના સભ્યોની અઢી વર્ષ માટે નિમણૂક કરવાની દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી છે.લાંબા સમયથી અટવાયેલા કમિટી ગઠનને લઈને કોર્પોરેટરોમાં ચાલી રહેલી દોડધામ અને આંતરિક રાજકીય સમીકરણો વચ્ચે હવે આ પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે.
ફંડ સમિતિમાં પણ સભ્યોની નિમણૂક કરાશે
માહિતી મુજબ આરોગ્ય,જાહેર બાંધકામ, પાણી, નગર નિયોજન,સમાજ કલ્યાણ,ગટર,કાયદા, રૂગ્ણાલય,ગૃહનિર્માણ,લાઈટ એન્ડ ફાયર,સ્લમ ઈમ્પ્રુવમેન્ટ તેમજ જાહેર પરિવહન નિગમ સમિતિ માટે સભ્યોની નિમણૂક કરવામાં આવશે.આ ઉપરાંત મેયર નિધિ સમિતિ, વ્યાખ્યાનમાળા સમિતિ,મસ્કતી ધર્માદા હોસ્પિટલ સલાહકાર સમિતિ અને અજ્ઞાત સૈનિક પથિક સ્મારક ફંડ સમિતિમાં પણ સભ્યોની નિમણૂક કરાશે. 26 એપ્રિલે યોજાયેલી મનપા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી.ત્યારબાદ 28 મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી.જોકે કમિટીઓના ગઠન અંગેનો નિર્ણય સતત લંબાતો રહેતા કોર્પોરેટરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી.
સત્તા કેન્દ્રો સુધી જોરદાર લોબિંગ શરૂ
વિવિધ કમિટીઓમાં સ્થાન મેળવવા માટે કોર્પોરેટરોએ પક્ષના સંગઠન અને સત્તા કેન્દ્રો સુધી જોરદાર લોબિંગ શરૂ કરી દીધું હતું.ખાસ કરીને મહત્ત્વની ગણાતી પાણી,જાહેર બાંધકામ અને નગર નિયોજનસમિતિમાં સ્થાન મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી.પોતાના સમર્થકોને સારી કમિટીમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસોના કારણે જ ગઠન પ્રક્રિયામાં વિલંબ થયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.કમિટીઓના અભાવે અનેક વિકાસકાર્યોની અંદાજ પ્રક્રિયા અને નીતિગત નિર્ણયો અટવાઈ ગયા હતા.જેના કારણે નવા વિકાસકાર્યોને મંજૂરી મળવામાં મોડું થતાં શહેરના વિકાસની ગતિ પણ ધીમી પડી હતી.હવે 30 જૂનની સામાન્યસભા બાદ કમિટીઓનું ગઠન પૂર્ણ થતાં અટવાયેલા વિકાસકાર્યોને ફરી વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather: ગઈકાલે રાજ્યના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી