calendar_todayMay 29, 2026
Surat News: મામાના ઘરે વેકેશન માણવા આવેલી 14 વર્ષની સગીરા પર ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ દુષ્કર્મ
સુરત શહેરમાંથી સોશિયલ મીડિયાના આંધળા અનુકરણ અને સગીરાઓની સુરક્ષાને લઈને માતા-પિતા માટે લાલબત્તી સમાન એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં પોતાના મામાના ઘરે વેકેશન માણવા આવેલી ધોરણ 10માં ભણતી 14 વર્ષની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને એક 24 વર્ષનો યુવક ભગાડી ગયો હતો. યુવકે સગીરાને ઓરડીમાં ગોંધી રાખી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલભેગો કરી દીધો છે.
સગીરાને ભગાડીને સંબંધીના રૂમ પર લઈ ગયો
આ સમગ્ર વિવાદની શરૂઆત અંદાજે ત્રણ મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીતથી થઈ હતી. 24 વર્ષીય આરોપી દીપક સોંદરવાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વિશ્વાસમાં લીધી હતી અને ગત રોજ સોસાયટીના નાકેથી તેને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. આરોપી સગીરાને અમરોલી સ્થિત તેના એક સંબંધીના રૂમ પર લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દીકરી ગુમ થતાં ચિંતાતુર બનેલા પરિવારજનો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે જ સગીરા પણ ત્યાં આવી પહોંચી હતી અને આપવીતી જણાવી હતી.
બનેવીની સતર્કતાથી આરોપી થયો જેલભેગો
આ ગુનામાં એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી દીપકના જ સગા બનેવી, જેઓ હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેમણે કાયદાનું પાલન કરીને ભારે સતર્કતા દાખવી હતી. બનેવીની આ જાગૃતતા અને બાતમીના કારણે ચોકબજાર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને 24 વર્ષીય આરોપી દીપક સોંદરવાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો