calendar_todayJanuary 23, 2026
Surat News : તડકેશ્વર જેવી ઘટના થવાની શક્યતા, 15 લાખ લીટરની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત!
સુરતના વડોદ વિસ્તારમાં આવેલી 15 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત અવસ્થામાં પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટાંકીનું ખાતમૂહુર્ત વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું અને વર્ષ 2015માં તેનું વિધિવત લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જોકે, દસકાની અંદર જ ટાંકીના પોપડા ઉખડવા અને લોખંડના સળિયા દેખાવા લાગતા સુરત મહાનગરપાલિકાના વિકાસ મોડલ અને બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
કરોડોનો ધુમાડો
તાજેતરમાં જ સુરતના તડકેશ્વર વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં જાનમાલનું નુકસાન થયું હતું. વડોદની આ ટાંકીની હાલત પણ અત્યંત ભયજનક છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલી આ ટાંકી જો ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ છે. મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કરોડોના ખર્ચે બનેલી સરકારી મિલકતો આટલી જલ્દી ખખડધજ થઈ રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો ત્વરિત સમારકામ અથવા નવી ટાંકીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Jamnagar માં પ્રેમ લગ્નનું લોહિયાળ પરિણામ, લવ મેરેજની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા