calendar_todayJanuary 8, 2026
Surat News: બહેનના પ્રેમીની હત્યા કરી 17 વર્ષથી ફરાર ભાઈ આખરે તમિલનાડુથી ઝડપાયો
સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની ટીમે 17 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોતાની બહેનના પ્રેમ સંબંધથી નારાજ થઈને યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપી સંતોષ સીમાંચલ પ્રધાનને પોલીસે તમિલનાડુ ખાતેથી દબોચી લીધો છે. આ ઘટનાની વિગત એવી છે કે, આશરે 17 વર્ષ પહેલાં આરોપી સંતોષ પ્રધાનની બહેનને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
આરોપી સંતોષ પ્રધાન તમિલનાડુથી ઝડપાયો
પરિવારની મરજી વિરુદ્ધના આ સંબંધને કારણે સંતોષ અત્યંત રોષમાં હતો. વેર વાળવાના ઈરાદે સંતોષ અને તેના અન્ય 6 સાગરીતોએ મળીને બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યાના આ ગુનામાં સુરત પોલીસે અગાઉ તપાસ હાથ ધરીને હત્યામાં સામેલ ૫ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે મુખ્ય સૂત્રધાર સંતોષ પ્રધાન પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.
સુરત પોલીસે અગાઉ 5 આરોપીને ઝડપી પાડ્યા હતા
તે છેલ્લા 17 વર્ષથી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ રાજ્યોમાં રહી રહ્યો હતો. તાજેતરમાં ઉધના પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી સચોટ માહિતી મળી હતી કે આરોપી સંતોષ તમિલનાડુમાં છુપાયો છે. આ બાતમીના આધારે ઉધના પોલીસે તમિલનાડુમાં વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો
લાંબા સમય બાદ આરોપી પકડાતા મૃતક યુવકના પરિવારને ન્યાય મળવાની આશા ફરી જાગી છે. પોલીસ હવે આરોપી સંતોષને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. આ કિસ્સો સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો સમય ભાગતો રહે, પણ કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી.