calendar_todayJanuary 9, 2026
Surat News: ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી 4 કંપનીઓ સામે GPCBનો સપાટો
ડાયમંડ સિટી સુરતમાં પાલિકાની ગટર લાઈનમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ યુક્ત પાણી ઠાલવી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે GPCB દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલી કંપનીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલ ઠાલવતા રંગેહાથ ઝડપાયેલા એકમો સામે કાર્યવાહી કરતા GPCBએ કુલ 4 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે, જેનો અર્થ છે કે આ એકમોએ તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવી પડશે.
ચાર કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવાઇ
ખાસ કરીને પાંડેસરામાં આવેલી ઉમા એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રત્યેકને રૂ.25 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ઝેરી કેમિકલને શુદ્ધ કર્યા વગર સીધું ગટરમાં છોડવાને કારણે ડ્રેનેજ લાઈનોને નુકસાન થવાની સાથે સાથે જમીન અને પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉમા એન્ટરપ્રાઇઝ, માં એન્ટરપ્રાઇઝને 25 લાખનો દંડ
આ કેમિકલના કારણે શ્રમિકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઉભું થયું હતું. સ્થાનિક રહીશોની ફરિયાદો અને પાલિકાના ડેટાના આધારે GPCBએ આ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીથી અન્ય પ્રદૂષણ ફેલાવતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ જે એકમો નિયમોનું પાલન નહીં કરે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.