calendar_todayMarch 29, 2026
Surat News : નવસારીમાં પકડાયેલા આતંકી કેસની તપાસ કેન્દ્ર સરકારે NIAને સોંપી
આતંકવાદી ષડયંત્ર કેસમાં ગુજરાત ATSએ ત્રણ માસ પહેલાં નવસારીમાં દરજીકામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી. હવે આ કેસની તપાસ કેન્દ્ર સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. NIA દ્વારા ગુજરાત ATS પાસેથી કેસના દસ્તાવેજો મેળવીને નવેસરથી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યા બાદ આતંકી ફૈઝાને ગેરકાયદેસર રીતે હથિયારો મેળવ્યા હતા.
મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો
દિલ્હીના 6 લોકોની હત્યાનો પ્લાન બનાવનારા આ યુવક પાસેથી રિવોલ્વર, 6 કારતુસ અને ઉર્દૂ ભાષામાં ઉશ્કેરણી કરતું 29 પાનાનું સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત આરોપી આતંકી અબુ બકરના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો. આ સાથે ભારતમાંથી કાશ્મીરને અલગ કરવાની આતંકીઓની યોજનામાં પણ આરોપી સામેલ હતો. તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર આતંકી ફરાતુલ્લાહનો વીડિયો, મોહમ્મદ અબુ સાથેની ચેટ અને જૈશ-એ-મોહમ્મદના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ બાતમીના આધારે ગત 25મી જાન્યુઆરીના રોજ નવસારીની અકશા મસ્જિદ પાછળ આવેલા ઝારાવાડમાં ઓપરેશન કર્યું હતું.
તિરંગાની જગ્યાએ કાળા રંગનો ઈસ્લામિક ઝંડો
લગ્નની સીઝન હોવાથી ઉત્તર પ્રદેશના કેટલાક કારીગરો દરજીકામ માટે નવસારી આવ્યા હતા. આ કારીગરોમાં ફૈઝાન સલમાની પણ સામેલ હોવાની વિગત પોલીસને મળી હતી. તે મોબાઈલ પર શંકાસ્પદ જેહાદી વીડિયો જોતો હોવાની અને આતંકી હુમલાની તૈયારી કરતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. ફૈઝાન સલમાનીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી કેટલાક જેહાદી વીડિયો તેમજ કેટલાક લોકોના નામ સાથેની યાદી મળી હતી. આ યાદીમાં દિલ્હીમાં રહેતા લોકોનો ઉલ્લેખ હતો અને તે તમામની હત્યા કરવાની વાત લખેલી હતી. જેમાં લાલ કિલ્લા પર તિરંગાની જગ્યાએ કાળા રંગનો ઈસ્લામિક ઝંડો હોય તેવો ફોટો હતો અને તેની નીચે 'અલફૈઝાન ચૌધરી' લખેલું હતું.
લખાણ સાથે એશિયાનો નકશો પણ હતો
કાશ્મીરના ભાગે કથિત આઝાદ કાશ્મીરનો ઝંડો અને ભારતીય ઉપખંડ તથા આજુબાજુના વિસ્તારના નકશામાં કાશ્મીર સિવાયનો ભારતનો વિસ્તાર કાળા રંગમાં દર્શાવ્યો હતો. એક ફોટામાં દિલ્હીમાં રહેતા લોકોના નામ સાથે “આ લોકોનું મોત નજીક છે. હું તમને બતાવીશ કે આ લોકોને કેવી રીતે માર્યા' તેવું લખાણ હતું. 'કાફિર વિસ્તારમાં મુસ્લિમોનો વધારો થશે' તેવા લખાણ સાથે એશિયાનો નકશો પણ હતો. ચહેરો ઢાંકેલ અને આંગળી ઊંચી કરતો આરોપીનો 'અલજીહાદ' લખાણવાળો ફ્લેટો હતો, જેમાં પયગંબર સાહેબનું અપમાન કરનારાઓને ‘કૂતરાની મોતે મારીશું' તેવી ગંભીર ધમકી અપાઈ હતી.
NIA હવે આરોપી ફૈઝાનનો કબજો મેળવશે
આતંકી ફૈઝાન પાસેથી મળેલા સાહિત્યમાં એશિયાના નકશામાં ભારત, ચીન અને મ્યાનમારનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો હતો. આ દેશોમાં આવેલા પાંચ સ્થળો ઇસ્લામિક હકુમતમાં આવતા હોવાનું માની આતંકીઓએ હુમલો કરી આ જગ્યાઓને અલગ કરવાની યોજના બનાવી હતી. કેસની આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તપાસ NIAને સોંપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, NIA હવે આરોપી ફૈઝાનનો કબજો મેળવવા કોર્ટમાં અરજી કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને! જાણો આજનો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ