android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ

calendar_todaySeptember 18, 2026

Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા રહેણાંક ઘરોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના નળમાં અચાનક કેમિકલયુક્ત રંગીન પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પાલિકાની ટીમે પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધવા અને દૂષિત પાણીના સ્ત્રોતને ઓળખવા માટે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી.

વરસાદી ગટરમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણ ખુલ્લાં પડ્યાં

તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિસ્તારમાં ચાલતા 'તપેલા ડાઇંગ' નામના ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ દ્વારા પોતાના કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ કરવા માટે વરસાદી ગટરની લાઈનમાં જોડાણો કરી દેવામાં આવ્યા હતા. આ ડાઇંગ યુનિટ્સનું પ્રદૂષિત પાણી લીકેજને કારણે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભળી જતું હતું, જેના કારણે નાગરિકોના ઘરો સુધી દૂષિત રંગીન પાણી પહોંચી રહ્યું હતું.

214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ સીલ, કનેક્શનો તાત્કાલિક કાપી નંખાયા

લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારા તત્વો સામે પાલિકા તંત્રએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક પગલાં ભર્યા છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા કુલ 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વરસાદી ગટરમાંથી તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો : Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ