calendar_todayJanuary 20, 2026
Surat: SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત SOG પોલીસે એક હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનું સ્મગલિંગ કરતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં વડોદરાના એક વકીલ કેતન શાહ સહિત સુરત અને વડોદરાના અન્ય છ શખ્સોનો સમાવેશ થાય છે.
પોલીસે જાલ બિછાવીને આરોપીઓને દબોચ્યા
સુરત SOGને બાતમી મળી હતી કે એક ટોળકી કરોડોનું સાપનું ઝેર વેચવાની પેરવીમાં છે. પોલીસે તુરંત એક્શનમાં આવી નકલી ગ્રાહક બનીને કરોડોની ઓફર આપી આ ટોળકીને લલચાવી હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા એક મેરેજ બ્યુરોમાં જ્યારે આ સોદો નક્કી થઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે દરોડા પાડીને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી આશરે 6.5 મી.લી. સાપનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 5.85 કરોડ અંકાઈ રહી છે.
અમદાવાદના ઘનશ્યામ સોનીને વેચવા આપ્યું હતુ
આ ઝેર અમદાવાદના ઘનશ્યામ સોની નામના શખ્સે વેચવા આપ્યું હતું, જેને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે.પકડાયેલા તમામ આરોપીઓ અલગ-અલગ કમિશન મેળવવા માટે આ સ્મગલિંગમાં જોડાયા હતા. સાપના ઝેરનો ઉપયોગ કેન્સર, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકની દવાઓ તેમજ 'એન્ટી વેનોમ' બનાવવા માટે થાય છે. જોકે, તેનો સૌથી વધુ ગેરકાયદે ઉપયોગ રેવ પાર્ટીઓમાં નશા માટે કરવામાં આવતો હોય છે. હાલ પોલીસે વન વિભાગની મદદ લઈને આ ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ અગાઉ તેમણે કેટલા સોદા કર્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.