calendar_todayAugust 24, 2026
Surat : ઘરમાં એકલી રહેલી યુવતીના હાથ બાંધી ગળું દબાવી ક્રૂર હત્યા બાદ લૂંટ, પોલીસ તંત્રમાં દોડધામ, Video
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં લૂંટ સાથે હત્યાની કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં રહેતા શિક્ષક દંપતીના ઘરે આ ગંભીર ઘટના બની હતી. પરિવાર બહારગામ ગયો હતો ત્યારે ઘરમાં એકલી રહેલી 22 વર્ષીય નિધિ પટેલ પર અજાણ્યા લૂંટારુઓએ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
લૂંટારુઓએ નિધિ પટેલના બંને હાથ બાંધી દીધા
પ્રાથમિક વિગતો મુજબ લૂંટારુઓએ નિધિ પટેલના બંને હાથ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળું દબાવી તેની કૃર હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ લૂંટારુઓ ઘરમાંથી રોકડ રકમ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘરમાંથી કેટલા રૂપિયાની લૂંટ કરવામાં આવી છે અને અન્ય કોઈ કિંમતી સામાન ચોરાયો છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જિલ્લા LCB સહિતની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
વિવિધ મુદ્દા પર પોલીસ તપાસ શરુ
આ ઘટનામાં હત્યા અને લૂંટ પાછળ કોણ જવાબદાર છે, લૂંટારુઓની સંખ્યા કેટલી હતી અને તેઓ કેટલો મુદ્દામાલ લઈને ફરાર થયા તે સહિતના સવાલોના જવાબ માટે પોલીસ તપાસ તેજ કરી રહી છે. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાની સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?