calendar_todayJanuary 23, 2026
Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુરતના રસ્તાઓ પર દોડતી બસ નંબર 254નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના પાછળના ટાયર અત્યંત ઘસાઈ ગયેલી હાલતમાં છે અને તેમાંથી સતત ડરામણો અવાજ આવી રહ્યો છે. આટલી જર્જરિત હાલત હોવા છતાં, બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી રહી છે. મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જે દર્શાવે છે કે પાલિકા તંત્ર લોકોની સુરક્ષાને લઈને કેટલી હદે બેદરકાર છે.
જીવના જોખમે સવારી
થોડા દિવસો પહેલા પણ સિટી બસને લઈને અનેક વિવાદો અને ફરિયાદો સામે આવી હતી, તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો ચાલુ બસે ટાયર ફાટે અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઘસાઈ ગયેલા ટાયર અને લોડેડ બસો રસ્તા પર દોડાવીને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતના જાગૃત નાગરિકો હવે આ મામલે કડક તપાસ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot ના પરવેઝની પત્ની રેહાના 3 વર્ષથી પાકિસ્તાનમાં અટવાઈ, PM મોદીને અપીલ કરી, જાણો શું કહ્યું...