calendar_todaySeptember 6, 2026
Surendranagar: વઢવાણ શહેરનો મેળો બન્યો મોતનો મેળા, 12 વર્ષીય બાળકીનું મોત સારવારમાં મૃત્યુ
સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા વઢવાણ મેળાના મેદાન ખાતે જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરાયુ હતુ. ત્યારે શનીવારે રાત્રે મેળામાં ઉંચા ચકડોળમાં બેસતા સમયે અચાનક ચકડોળ ચાલુ થઈ જતા પોલીસ કર્મીની 12 વર્ષીય બાળકીનું ગંભીર ઈજા થતા સારવાર દરમીયાન મોત થયુ છે.
વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલ મેળાના મેદાનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરાયુ છે. મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા પહોંચી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીની 12 વર્ષીય દિકરીનું શનીવારે રાત્રે મેળામાં ચકડોળમાં પડી જવાથી મોતની ઘટના બની છે. મળતી માહીતી મુજબ થાન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કાંતીભાઈ પરમાર તા. 5મીના રોજ રાત્રે પરિવાર સાથે વઢવાણ મેળામાં ગયા હતા. જેમાં ઉંચા ચકડોળમાં તેઓ આશરે 11-30 કલાકે બેસતા હતા. જેમાં ચકડોળની પાલખીમાં તેમની 12 વર્ષીય દિકરી નીહારીકા બેસતા સમયે જ અચાનક ચકડોળ ચાલુ થઈ ગયુ હતુ. નીહારીકાએ પાલખીમાં બેસતા સમયે હાથ પકડેલ હોવાથી તે આશરે 20 મીટર જેટલી ઉંચાઈએ પહોંચી હતી. આ સમયે કાંતીભાઈએ ચકડોળ રોકવાનું કહેવા છતાં ચકડોળ ઉભુ ન રહેતા આખરે દિકરી નીચે પટકાઈ હતી. અને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાતા સારવાર દરમીયાન રાત્રે 1-30 કલાકે નીહારીકાનું અવસાન થતા પરિવાર પર આભ તુટી પડયુ હતુ અને મેળાનો આનંદ આક્રંદમાં ફેરવાયો હતો. હાલ દીકરીના મૃતદેહને અંતીમ વીધી માટે વતન દસાડા તાલુકાના હેબતપુર ગામે લઈ જવાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો