android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: કેનેડાના વીઝા અપાવવાના બહાને રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

calendar_todayFebruary 4, 2026

Surendranagar: કેનેડાના વીઝા અપાવવાના બહાને રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

ધ્રાંગધ્રામાં રહેતા ખેડૂત પુત્રને માસ્ટર ડીગ્રી માટે કેનેડા જવાનું હોવાથી વીઝા માટે ભરૂચના એક શખ્સના સંપર્કમાં આવ્યા હતા. અને વીઝા માટે રૂ. 13.50 લાખ આપવા છતાં વીઝા મળ્યા ન હતા. આ અંગેની વર્ષ 2024માં ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વડોદરામાંથી ઝડપી લીધો છે.

ધ્રાંગધ્રાના નરશીપરામાં રહેતા કેસરીસીંહ કરણસીંહ ઝાલાના પુત્ર અજયરાજસીંહ વર્ષ 2022માં અમદાવાદની કોલેજમાં બીએસસી કરતા હતા. અભ્યાસ પુરો થતા માસ્ટર ડીગ્રી માટે અજયરાજસીંહને કેનેડા જવાનું હતુ. આથી તેઓ એક મિત્ર થકી ભરૂચના અર્પીતસીંહ વિજયસીંહ પરમારના સંપર્કમાં આવ્યા હતા. જેમાં અર્પીતસીંહે વીઝાના રૂ.18 લાખ થશે તેમ કહી 75 ટકા રકમ એડવાન્સ માંગી હતી. જેમાં તા. 26-9-22ના રોજ રૂ. 4 લાખ અને તા. 7-10-2022ના રોજ રૂ. 9.50 લાખ એમ કુલ 13.50 લાખ અર્પીતસીંહને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ અજયરાજસીંહના વીઝા થયા ન હતા. ત્યારબાદ ઉઘરાણી કરતા અર્પીતસીંહે વીઝા નહી થાય તેમ કહી પૈસા પરત આપવાનું કહ્યુ હતુ. જેના લીધે અન્ય સ્થળેથી વીઝા કરીને અજયરાજસીંહ કેનેડા અભ્યાસ અર્થે ગયા હતા. પરંતુ ત્યાર પછી અવારનવાર પૈસા માંગતા અર્પીતસીંહે હવે રૂપીયા માટે ફોન કરતા નહી, તમારા રૂપીયા દેવાના થતા નથી તેમ કહેતા તા. 14-5-24ના રોજ કેસરીસીંહે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો ફરાર આરોપી અર્પીતસિંહ પરમાર વડોદરામાં હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી ટીમના શકિતસિંહ, ભરતભાઈ, કપીલભાઈ સહિતનાઓએ વડોદરાના સોમા તળાવ પાસે વોચ રાખી ફરાર આરોપીને ઝડપી લઈ ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો