calendar_todaySeptember 17, 2026
Surendranagar : લખતરના માલીકા ગામે ખેતરમાં વીજળી પડતાં 35 વર્ષીય યુવકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલીકા ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં 35 વર્ષીય યુવકનું મોત થયું છે. સાંજના સમયે પિતા-પુત્ર ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી.
પિતાની નજર સામે પુત્ર પર વીજળી પડી
મળી રહેલી માહિતી મુજબ, માલીકા ગામના જશુભાઈ સાવજીભાઈ વંથળા તેમના પિતા સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જશુભાઈ પર અચાનક વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. પિતાની નજર સામે જ આ ઘટના બનતાં તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી.
સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનોની મદદથી જશુભાઈને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
લખતર પોલીસે કાર્યવાહી હાથ ધરી
યુવક પર વીજળી પડ્યાની જાણ થતાં લખતર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video