calendar_todayMay 3, 2026
Surendranagar: સુરેન્દ્રનગરમાં 5 વર્ષ પહેલા રૂ.51 લાખના ગીરવે મુકેલા દાગીના જીઁએ માત્ર 5 કલાકમાં પરત અપાવ્યા
સુરેન્દ્રનગર એસ.પી.એ વ્યાજખોરો અને ગીરવે મુકી ધીરધાર કરનારાઓ સામે સકંજો કસ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મહિલાના 51 લાખના દાગીના 5 વર્ષ પહેલા ગીરવે મુકી 3 લાખ લઇ 18 લાખ પરત આપવા છતાય બે શખ્સો વધુ રૂપીયાની માંગણી કરતા હોવાથી મહિલાએ એસ.પી.પાસે આવી આપવીતી વર્ણવતા એ.ડીવીઝન પોલીસની ટીમને કામે લગાડી માત્ર 5 કલાકમાં જ 40 તોલા દાગીના પરત અપાવતા મહિલા ખુશીથી રડી પડી હતી. પોલીસ ધારે તો શુ નો થાય એમ એસ.પી.પ્રેમસુખ ડેલુ આવ્યા બાદ અનેક અસંભવ બાબત સંભવ બની રહી છે.વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો અને ધીરધાર કરનારાઓનો રાફડો ફાટવા સાથે ભારે ત્રાસ વધી ગયો હતો. એ.પી.પ્રેમસુખ ડેલુ આવ્યા બાદ આવા શખ્સો સામે કડક કાર્યવાહી થઇ રહી છે.ત્યારે એસ.પી.ની આવી કામગીરીની મીડીયા મારફતે સુરેન્દ્રનગર જે.પી.સોસાયટીમાં રહેતા પરીવારના અનીલ હિરાભાઇ પરમાર અને એમની પત્નીને જાણ થતા એસપી પાસે જઇ પોતાની આપવીતી વર્ણવી રડી પડયા હતા.આ ગંભીર મામલે એસ.પી.એ એ.ડીવીઝન પી.આઇ.જે.એમ.સોલંકીને સુચના આપતા ડીવાયએસપી પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એસ. જાડેજા, ધવલસિંહ સીસોદીયા, રાજુભાઇ પઢેરીયા, સલીમભાઇ ઘોરી અને ચેતનભાઇ ગોસાઇની ટીમ કામે લાગી જઇ મહિલાના ગીરવે લીધેલા જાલાભાઇ મેપાભાઇ બાંમબા રહે.જે.પી.શેરી અને હિતેશભાઇ સતાભાઇ રહે.સર્વોદય સોસાયટી વાળાનો તાત્કાલીક સંપર્ક કર્યો હતો.આ બંન્ને શખ્સોએ 5 વર્ષ પહેલા મહિલાના દાગીના ગીરવે લઇ 3 લાખ વ્યાજે આપ્યા હતા. જે 3 લાખના મહિલાના પરીવારે 18 લાખ રૂ.આપવા છતાય દાગીના પરત નહી આપી વધારે રૂ.માંગતા હતા.જે બંન્ને શખ્સોને પોલીસે કાયદાકીય બાબતની સમજ આપતા બંન્ને શખ્સો દાગીના પરત આપવા સંમત થતા દાગીના પોલીસને પરત આપ્યા હતા.આ દાગીના એસ.પી.પ્રેમસુખ ડેલુએ મહિલાને કચેરીમાં બોલાવી પરત સોંપતા મહિલાની આંખમાં ખુશીથી આંસુ સરી પડયા અને દાગીના મીઠડા લીધા હતા.આમ એસ.પી.પ્રેમસુખ ડેલુએ 5 વર્ષથી હેરાન થતી મહિલાની સમસ્યાનો માત્ર 5 કલાકમાં ઉકેલ લાવી જિલ્લાના આવા વ્યાજખોર અને દાગીના ગીરવે મુકી ધીરધાર કરનારાઓને સુધરી જવા કડક સંદેશો પાઠવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો