calendar_todayApril 7, 2026
Surendranagar: ઝાલાવાડમાં જુગારના 6 દરોડા : 9 પકડાયા
સુરેન્દ્રનગર એલસીબી ટીમે સુરેન્દ્રનગરની કેરી બજારમાંથી કૃષ્ણનગરના સલમાન ફારૂકભાઈ જીંદાણી અને વડોદરા જિલ્લાના પાદરાના અનવર મહોમદભાઈ મેમણને આઈપીએલની હૈદરાબાદ-કલકત્તા વચ્ચેની ટી20 મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા છે. આ બન્ને પાસેથી રૂપીયા 6200 રોકડા, રૂપીયા 5 હજારનો મોબાઈલ ફોન, રૂપીયા 20 હજારનું બાઈક મળી કુલ રૂપીયા 31,200નો મુદ્દામાલ જપ્ત કરી એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે બીજી તરફ સુરેન્દ્રનગરના જૈન દેરાસર રોડ પરથી યતીન ચંદ્રકાંતભાઈ શાહ મુંબઈ અને દિલ્હીની ટી20 મેચ પર સટ્ટો રમતો રોકડા રૂપીયા 110 અને 5 હજારના મોબાઈલ સહિત રૂપીયા 5110ની મત્તા સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર મેગામોલ પાસેથી આઈપીએલની બેંગ્લોર અને ચેન્નાઈની મેચ પર સટ્ટો રમતો દેવાંગ મોતીભાઈ ચોરસીયા 15 હજારના મોબાઈલ ફોન સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આઈડી દિવ્યાંસ રાજેન્દ્રભાઈ ચોટલીયાએ આપ્યુ હોવાનું ખુલતા જીનતાન રોડ પર રેડ કર પોલીસે દિવ્યાંસ રાજેન્દ્રભાઈ ચોટલીયાને રૂપીયા 20 હજારના મોબાઈલ ફોન સાથે પકડી પાડયો હતો. આ શખ્સને આઈડી વઢવાણના અફઝલ અમીનભાઈ પરમારે આપ્યુ હોવાનું ખુલતા ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. અને સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને દેશળભગતની વાવ પાસે ઝુંપડામાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા અર્જુન યકીનભાઈ બહેવાસી, જગદીશ પ્રાગજીભાઈ પંડીત અને અશોક પ્યારઅલીભાઈ વઢવાણીયા રોકડા રૂપીયા 11,200 સાથે ઝડપાયા હતા. તથા દસાડા તાલુકાના અહેમદગઢ ગામે તળાવની પાળ પાસે ગંજીપાનાનો જુગાર રમતા ઈમ્તીયાઝ ઈકરાનભાઈ કુરેશી, જયદીપ રૂપસંગભાઈ રવોદરા અને અનીલ પ્રભુભાઈ વાલાણી રોકડા રૂપીયા 3080 સાથે પકડાયા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam