calendar_todayNovember 6, 2026
Surendranagar : દિવાળી અંતર્ગત ફુડ વિભાગની 60 સ્થળે તપાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી અને નુતન વર્ષના તહેવારો શરૂ થયા છે. ત્યારે દિવાળી નાગરીકોને શુધ્ધ અને સલામત ખાદ્ય ચીજો મળી રહે તે હેતુથી ફુડ વિભાગની ટીમે જિલ્લાભરમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી હતી. જેમાં 60થી વધુ પેઢીઓની તપાસ કરી મીઠાઈ, ફરસાણ, રો મટીરીયલના 97 નમુના લઈને પૃથ્થકરણ માટે મોકલાયા છે. ઝાલાવાડમાં દિવાળી અને નુતન વર્ષના તહેવારોની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દિવાળીના તહેવારોમાં બજારમાં મોટી માત્રમાં મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્યચીજોનું ઉત્પાદન અને વેચાણ થાય છે. ત્યારે લોકોને આરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ફુડ વિભાગના અધીકારી પીયુષ સાવલીયા સહિતની ટીમે સ્પેશ્યલ ડ્રાઈવર યોજી હતી. જેમાં જિલ્લાભરમાં 60થી વધુ પેઢીઓની તપાસ કરાઈ છે. આ તપાસણી દરમીયાન પેંડા, બરફી, ડ્રાયફુટની મીઠાઈ, ગુલાબજાંબુ, મીઠો માવો, હલવો, મોહનથાળ સહિતની મીઠાઈના 30 નમુના, ગાંઠીયા, સેવ, ફરસાણ, નમકીનના 39 નમુનાઓ લેવાયા છે. જયારે રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવાતા તેલ, ઘી, બેસન, ખાંડ, કઠોળ, મસાલાના 16 નમુના લેવાયા છે. ફુડ વિભાગની ટીમે લખતર અને ચોટીલાના સસ્તા અનાજના ગોડાઉનમાંથી પણ ઘઉં, ચોખા, ચણા, મીઠુ, તુવેરદાળના 12 નમુના લીધા છે. બીજી તરફ ડીમાર્ટ અને બ્લીંકીટ જેવા 10 શોપીંગ મોલની તપાસ કરી મીઠાઈ, ફરસાણના 10 સેમ્પલ લીધા છે. આ તપાસણી દરમીયાન વાસી મીઠાઈ અને ફરસાણનો 80 કિલોનો જથ્થો નાશ કરાયો છે. જયારે શંકાસ્પદ લાગતી 171 કિલો કિંમત રૂપીયા 29,494ની મીઠાઈનો જથ્થો સીઝ કરાયો છે. આ સેમ્પલો ભુજ સ્થીત સરકારી લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે. જેના પરિણામોમાં ભેળસેળ સામે આવશે તો વેપારી અને ઉત્પાદક સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો