calendar_todaySeptember 26, 2026
Surendranagar :બંધ ટ્રેલર પાછળ કારની ટક્કર : કુલ ત્રણનાં મોત, 7ને ઈજા
08
વિરમગામ રેલવે સ્ટેશને ટ્રેનમાં ઉતરી જૈન શ્રાવકો ઈકો કાર ભાડે કરીને શનિવારે પુનમ હોવાથી વહેલી સવારે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શને જતા હતા. જેમાં દસાડાના વડગામ પાસે પંચર પડેલ કોલસી ભરેલા ટ્રેલર પાછળ ઈકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે શ્રાવકોના મોત થયા છે. જયારે અકસ્માતથી ગભરાઈને ખેતરોમાં નાસવા લાગેલ ટ્રકના કલીનરનું ઝાટકા મશીન સાથે વીજ શોક લાગતા મોત થયુ છે. દસાડા પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના શંખેશ્વરમાં બીરાજમાન જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ દાદાના દર્શનનો અનેરો મહીમા છે. તેમાં પણ દર પુનમે દુર દુરથી શ્રાવકો દાદાના દર્શન અને પુજન માટે આવે છે. જેમાં મુંબઈથી ભાવનગર થતી ટ્રેનમાં તા. 26મીના રોજ મોડી રાત્રે 3-40 કલાકે દાદાના દર્શનના અભીલાષી શ્રાવકો વિરમગામ રેલવે સ્ટેશન ઉતર્યા હતા. મુંબઈ, ચેન્નાઈ, સુરત અને અમદાવાદના આ શ્રાવકો રેલવે સ્ટેશનની બહાર આવીને શંખેશ્વર તરફ જવા વાહન શોધતા હતા. જેમાં વિરમગામના કામસપુરામાં રહેતા ઈમરાન અમીરખાન મલેકની ઈકો કાર ભાડે કરીને તેઓ આશરે 4 કલાકના સમયે શંખેશ્વર તરફ રવાના થયા હતા. વહેલી સવારનો સમય હોઈ મુસાફરો બસમાં નીંદર માણી રહ્યા હતા. ત્યારે અંદાજે પ કલાકના સમયે દસાડાના વડગામ પાસે પંચર પડવાથી બંધ પડેલ મોરબીથી કોલસી ભરીને નીકળેલ ટ્રેલર પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં મુંબઈના અજીત જૈનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે કાર ચાલક અને અન્ય મુસાફરોને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. જેમાં ચેન્નાઈના રાજેશ શેઠીયાનું વિરમગામ હોસ્પીટલમાં સારવાર દરમીયાન મોત થયુ હતુ. બીજી તરફ અકસ્માતને પગલે ટ્રેલરનો કલીનર ગભરાઈને રસ્તાની નજીક આવેલા ખેતરો તરફ નાસ્યો હતો. આ સમયે ખેતરની બહાર લગાવેલા ઝાટકા મશીન સાથે તે અથડાતા વીજ શોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા દસાડા ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, બીટ જમાદાર મુળજીભાઈ મકવાણા, ભરતસિંહ પરમાર સહિતનાઓ દોડી ગયા હતા. અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો