calendar_todayMay 3, 2026
Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 7 બનાવ : 5ના મોત, 10ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના જશાપર-નારીચાણા રોડ, સુરેન્દ્રનગર-મુળી હાઈવે, ચોટીલા આપાગીગાન ઓટલા પાસે, નેશનલ હાઈવે પર વડોદ પુલ ઉપર, લીંબડી બસ સ્ટેશન પાસે, ચોટીલા-સાયલા હાઈવે પર આયા ગામના બોર્ડ પાસે અને દસાડાના વડગામ-વિસાવડી રોડ પર અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પોલીસ કર્મી, 3 વર્ષીય બાળક, ટેન્કર ચાલક સહિત 5ના મોત થયા છે. જયાર આણંદના દંપતી સહિત 10ને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના દેવકરણભાઈ મેલાભાઈ ભુવા ધ્રાંગધ્રા ડીવાયએસપી કચેરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તા. 28-4ના રોજ સાંજે તેઓ બાઈક લઈને ધ્રાંગધ્રાથી નારીચાણા જતા હતા. ત્યારે જસાપર-નારીચાણા વચ્ચે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા કે પશુ આડુ ઉતરતા તેઓ બાઈક સહિત પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં તા. 30-4ના રોજ સવારે તેમનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના પુત્ર હાર્દીકભાઈ ભુવાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે મુળી તાલુકાના લીમલી ગામે રહેતા 46 વર્ષીય હરદેવસિંહ બળદેવસિંહ પરમાર ખેતી કરે છે. તા. 19-4ના રોજ સવારે તેઓ પત્ની રસીકબા સાથે બાઈક લઈને મુળી માંડવરાયજી દાદાના દર્શન કરવા જતા હતા. જેમાં સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર ગોદાવરી ગામના પાટીયા પાસે પહોંચતા તેમની આગળ એક ડમ્પર જતુ હતુ. ત્યારે પાછળથી આવેલા નયન ટ્રેડર્સ લખેલા ડમ્પરે રોંગ સાઈડમાં ઓવરટેક કરતા હરદેવસિંહે તેને બુમ પાડી હતી. તેમ છતાં ડમ્પર ચાલકે ઓવરટેક કરતા બાઈક સાથે અથડાયુ હતુ. જેમાં હરદેવસિંહ અને રસીકબા બાઈક સાથે નીચે પટકાયા હતા. બન્નેને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાતા તા. 20-4ના રોજ રસીકબાનું મોત થયુ હતુ. આ અંગે હરદેવસિંહે તા. 1 મેના રોજ ડમ્પર ચાલક સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ પી.આર.મોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ મુળ એમ.પી.ના 21 વર્ષીય હીરોભાઈ કરણસીંહ પવાર હાલ ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા પાછળ આવેલ વાડીએ ખેતમજુરી કરે છે. તા. 2-પના રોજ સાંજે તેમના 3 વર્ષીય પુત્ર અજયને લઈ બાઈક પર તેઓ આપાગીગાના ઓટલા પાસે આવ્યા હતા. જેમાં ચોટીલા તરફથી આવતી કારના ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત કરતા પિતા-પુત્ર બન્ને ફંગોળાયા હતા. બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાતા હેમરેજ થઈ જતા અજયનું મોત થયુ હતુ. આ અંગે કાર ચાલક વીરપુરના અમીત હરીલાલ વેકરીયા સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામના 56 વર્ષીય ગૌતમભાઈ હીરાભાઈ રોહીત અને તેમના પત્ની મંજુલાબેન તા. 29-4ના રોજ દર્શનાર્થે નીકળ્યા હતા. જેમાં સાળંગપુર, વિરપુર, ચોટીલા દર્શન કરીને તા. 1-પના રોજ ચોટીલા હાઈવે પરથી ટેન્કરમાં બેસી પરત જતા હતા. જેમાં વઢવાણ તાલુકાના વડોદ પાસે નેશનલ હાઈવે પર આવેલ પુલ પરથી ટેન્કર ઉતરતા સમયે કોઈપણ આડશ વગર આગળ ઉભેલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાયુ હતુ. જેમાં દંપતી અને ટેન્કર ચાલકને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાતા ટેન્કર ચાલકનું મોત થયુ હતુ. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે તા. 2-પના રોજ મોડી રાત્રે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.બી.ખેર ચલાવી રહ્યા છે. અને લીંબડીમાં રહેતા બાબુભાઈ વશરામભાઈ સીતાપરા તા. 30-4ના રોજ પુત્ર 4 વર્ષીય ધાર્મીક અને ર વર્ષીય ધર્મેશને બાઈક પર લઈને દુકાનનો સામાન લેવા જતા હતા. ત્યારે લીંબડી બસ સ્ટેશન પાસે એક આઈશર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં 108 દ્વારા સારવાર માટે લઈ જવાતા બાબુભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ સીતાપરાએ આઈશર ચાલક સામે લીંબડી પોલીસ મથકે તા. રના રોજ સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ.એમ.બારૈયા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો