calendar_todayJune 29, 2026
Surendranagar News: લીંબડીના શિવશક્તિ નગરમાં 3 મહિનાથી પાણી ન મળતાં પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાંથી સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે નાગરિકોના આક્રોશની એક મોટી ઘટના સામે આવી છે. લીંબડીના સ્ટેશન રોડ પર આવેલા શિવશક્તિ નગર વિસ્તારમાં રહેતી મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે કંટાળીને લીંબડી નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલી સ્થાનિક મહિલાઓના ટોળાએ પાલિકા પરિસરમાં ધસી જઈને તંત્ર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
દૂર-દૂરથી પાણી લાવવા સ્થાનિકો મજબૂર
આ હલ્લાબોલ પાછળનું મુખ્ય કારણ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ભારે તંગી છે. આક્રોશિત મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવશક્તિ નગરમાં છેલ્લા 90 દિવસથી પીવાનું પાણી જ આપવામાં આવ્યું નથી. નળ વગરના કોરા ધાકોર પાઈપોને કારણે સ્થાનિક પરિવારો અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. રોજબરોજના વપરાશ અને પીવા માટે લોકાએ દૂર-દૂરના વિસ્તારો સુધી પાણી ભરી લાવવા માટે મજબૂર બનવું પડે છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને શક્તિ વેડફાઈ રહ્યા છે.
રોડ-રસ્તા અને પાણીની સુવિધા આપવા ઉગ્ર માંગ
વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, લીંબડી નગરપાલિકા પ્રજાને રોડ, રસ્તા અને પીવાનું પાણી જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સાવ નિષ્ફળ નીવડી છે. શિવશક્તિ નગરમાં માત્ર પાણી જ નહીં, પરંતુ રસ્તાઓની હાલત પણ અત્યંત બિસ્માર છે. મહિલાઓએ ચીફ ઓફિસર અને સત્તાધીશો સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીને વિસ્તારમાં નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે અને રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સુવિધાઓ નહીં મળે, તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.