android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: 50 વર્ષ જૂની ટાંકીના પોપડા ખર્યા, 10 હજાર લોકોના માથે તોળાતું જોખમ!

calendar_todayFebruary 4, 2026

Surendranagar News: 50 વર્ષ જૂની ટાંકીના પોપડા ખર્યા, 10 હજાર લોકોના માથે તોળાતું જોખમ!

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગામના 10,000થી વધુ લોકોની તરસ છીપાવતી પાણીની મુખ્ય ટાંકી અત્યારે પોતે જ મોતના મુખમાં ઉભી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે 50 વર્ષ જૂની આ ટાંકીના સ્લેબ અને પિલરોમાં એવી મોટી તિરાડો પડી છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

ભૂતકાળની દુર્ઘટનાનો ભય

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા ખોડુ ગામના લોકો માટે આ માત્ર જર્જરિત ટાંકી નથી, પરંતુ એક ડરામણો ભૂતકાળ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આજથી 35 વર્ષ પહેલા ખોડુ ગામે આવી જ એક પાણીની ટાંકી અચાનક તૂટી પડી હતી, જેમાં કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આજે ફરી એ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, છતાં તંત્ર નિંદ્રામાં હોવાનું જણાય છે.

10 હજાર લોકોનું જોખમ, નવી ટાંકીની માગ

આ ટાંકી ગામના હજારો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ તેના પિલરોમાં પડેલી તિરાડો અને ખરતા પોપડાને કારણે તેની નીચે ઉભા રહેવું પણ જોખમી બન્યું છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, આ જર્જરિત ટાંકીને સલામત રીતે ઉતારી લેવામાં આવે અને નવી ટાંકી બનાવવામાં આવે. જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો કોઈ મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો - Surendranagar સબ જેલમાં કેદીઓ વચ્ચે પૈસા મુદ્દે મારામારી, ધારદાર વસ્તુથી હુમલો કરાતાં એક કેદીને હાથમાં 6 ટાંકા આવ્યા