android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: સાયલા હાઈવે પર અકસ્માત, બંધ પડેલી ખાનગી બસ પાછળ કન્ટેનર ટ્રક ઘૂસી, 7થી વધુ ઘાયલ

calendar_todayMarch 30, 2026

Surendranagar News: સાયલા હાઈવે પર અકસ્માત, બંધ પડેલી ખાનગી બસ પાછળ કન્ટેનર ટ્રક ઘૂસી, 7થી વધુ ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાઈવે પર ટેકનિકલ ખામીના કારણે ઊભી રાખેલી ખાનગી લક્ઝરી બસ પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કન્ટેનરની ઠોકરથી બંધ બસ અંદાજે 100 ફૂટથી વધુ દૂર સુધી ઢસડાઈ હતી. આ ઘટનામાં બસના ડ્રાઈવર, ક્લીનર સહિત સાતથી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મધ્યપ્રદેશથી મોરબી જઈ રહી હતી બસ

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની આ બસ મધ્યપ્રદેશથી મજૂરોને લઈને મોરબી જવા નીકળી હતી. સવારના દસ વાગ્યાના અરસામાં સાયલા નજીક પહોંચતા બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાતા ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. બસમાં સવાર 50થી વધુ મુસાફરો આરામ કરી રહ્યા હતા, જ્યારે ડ્રાઈવર અને ક્લીનર બસની નીચે ઉતરીને ખામી શોધી રહ્યા હતા.

ધડાકાભેર અથડામણ અને ચિચિયારીઓ

બરાબર એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બંધ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ધડાકાભેર થયેલી અથડામણથી બસ 100 ફૂટ સુધી ઢસડાઈ હતી, જેના કારણે નીચે કામ કરી રહેલા ડ્રાઈવર અને ક્લીનર તેની અડફેટે આવી ગયા હતા. અકસ્માત થતા જ બસમાં સવાર મુસાફરોની ચીજવસ્તુઓ હાઈવે પર વેરાઈ ગઈ હતી અને ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ઘાયલોને રાજકોટ-સુરેન્દ્રનગર ખસેડાયા

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઈજાઓ થવાથી તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ મુસાફરોને સાયલા અને ત્યારબાદ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાયલા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Surendranagar: મહિલાએ ડાકોરના ભાઈને કિડની આપી નવજીવન બક્ષ્યુ