calendar_todaySeptember 16, 2026
Surendranagar News: માલવણ MRL ટાયર કંપનીમાં 300 કામદારોની હડતાલ, શોષણનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-માલવણ હાઇવે પર આવેલી ખાનગી કંપનીના કામદારોમાં વહીવટી અને વ્યવસ્થાપકી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલવણ ટોલટેક્સ પાસે ધમધમતી MRL ટાયર બનાવતી કંપની સામે આશરે 300 થી વધુ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને સવારથી જ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કામદારો દ્વારા કંપની બહાર મોરચો માંડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
12 કલાક કામ છતાં પૂરતો ઓવરટાઇમ નહીં મળવાનો આક્ષેપ
હડતાલ પર ઉતરેલા કામદારો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું વ્યાપક શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારો પાસે નિયમ વિરુદ્ધ જઈને દિવસના 12 કલાક સુધી ભારે કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય પ્રમાણમાં ઓવરટાઇમ કે વળતર આપવામાં આવતું નથી. આર્થિક શોષણ અને અમાનવીય પરિસ્થિતિના કારણે શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે

15 થી વધુ ગામોના શ્રમિકો સંડોવાયેલા
આ કંપનીમાં માત્ર એક જ જગ્યા નહીં, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, સેડલા, જેનાબાદ, બજાણા અને વિરમગામ સહિતના આસપાસના 15 થી વધુ ગામોના સેંકડો શ્રમિકો રોજગારી મેળવવા માટે આવે છે. અસહ્ય ત્રાસ અને અન્યાય સામે કંટાળીને આ તમામ ગામોના કામદારો એક થઈને કંપનીના મુખ્ય ગેટ બહાર હડતાલ પર બેસી ગયા હતા.

પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી મેદાને, HR દ્વારા બાંહેધરી
કામદારોના આ આંદોલનની ગંભીરતાને જોતાં પાટડી-દસાડાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી પણ કામદારોની વહારે દોડી આવ્યા હતા અને તેમને સમર્થન પૂરું પાડ્યું હતું. વિરોધ વધતા અંતે કંપની તંત્ર હરકતમાં આવ્યું હતું. માલવણ ટોલટેક્સ સ્થિત MRL કંપનીના HR દ્વારા આગામી 15 દિવસમાં કામદારોના તમામ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવવા માટે લેખિત કે મૌખિક બાંહેધરી આપવામાં આવી છે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.
આ પણ વાંચો: Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર