calendar_todayMay 4, 2026
Tamil Nadu Elections Results 2026 : કોલેજ ડ્રોપઆઉટથી કિંગમેકર સુધી, તમિલનાડુમાં વિજયનો મિજાજ, દિગ્ગજ પક્ષોના સુપડા સાફ
તમિલનાડુના રાજકારણમાં આ વખતે એક નવો જ ઈતિહાસ લખાતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક મતગણતરીના વલણોમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) એ જોરદાર લીડ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. અનેક બેઠકો પર TVK આગળ ચાલી રહી છે, જ્યારે સત્તારૂઢ DMK પાછળ દેખાઈ રહી છે.
કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો
થલાપતિ વિજય, જેનું અસલ નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, તે હવે માત્ર સિનેમાનું નામ નથી પણ રાજકારણની નવી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. વિજયના જીવનનો એક રસપ્રદ કિસ્સો એ છે કે તેમણે અભિનય પાછળ પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો. ચેન્નાઈની પ્રખ્યાત લોયોલા કોલેજમાં 'વિઝ્યુઅલ કોમ્યુનિકેશન'નો અભ્યાસ કરતા વિજયનું મન પુસ્તકો કરતા કેમેરા અને સ્ટેજમાં વધુ પરોવાયેલું હતું. તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર દિગ્દર્શક હોવાથી અભિનય તેમના લોહીમાં હતો. પરિણામે, તેમણે કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો.
દક્ષિણ ભારતના સૌથી વધુ ફી લેતા અભિનેતા
આજે તે દક્ષિણ ભારતના સૌથી વધુ ફી લેતા અભિનેતા છે, પરંતુ તેમની લોકપ્રિયતા માત્ર પડદા સુધી સીમિત નથી. સામાજિક મુદ્દાઓ પરની તેમની પકડ અને યુવાઓમાં ક્રેઝ હવે મતમાં પરિવર્તિત થતો દેખાય છે. 2007માં માનદ ડોક્ટરેટથી સન્માનિત વિજય હવે તમિલનાડુના રાજકીય મેદાનમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ રહ્યા છે. TVKની આ લીડ સૂચવે છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે.
આ પણ વાંચો---- West Bengal Election Result 2026: પીએમ મોદીએ જ્યાં લીધો હતો ઝાલમુડીનો સ્વાદ, તે ઝાડગ્રામમાં ખિલશે કમળ!