calendar_todayMarch 30, 2026
Tapi News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાપીને મોટી ભેટ, રૂ. 1613 કરોડના સિંચાઈ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમિપૂજન, 165 ગામોને થશે સીધો ફાયદો
ગુજરાતના છેવાડાના વિસ્તારો અને આદિજાતિ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય સરકારે વધુ એક ઐતિહાસિક ડગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે રૂપિયા 1613 કરોડથી વધુની રકમના વિવિધ સિંચાઈ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રકલ્પોથી તાપી જિલ્લાની ખેતી અને ખેડૂતોના સર્વાંગી ઉત્થાનનો માર્ગ મોકળો બનશે.
ઉકાઈ અને તાપી નદી આધારિત યોજનાઓનો પ્રારંભ
મુખ્યમંત્રી દ્વારા ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના તેમજ તાપી નદી પર આધારિત બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓ દ્વારા પહાડી અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડી ખેતીને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
165 ગામોની 78,500 એકર જમીન થશે નંદનવન
આ સિંચાઈ પ્રોજેક્ટ્સના અમલીકરણથી તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર, વ્યારા અને કુકરમુંડા તાલુકાના કુલ 165 ગામોને સીધો લાભ મળશે. અંદાજે 78,500 એકર જમીનને સિંચાઈની સુવિધા મળતા ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ શકશે. છેવાડાના આદિજાતિ ખેડૂતોને પૂરતું પાણી આપી તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા વધારવાથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને સ્થળાંતરની સમસ્યામાં પણ ઘટાડો થશે. તાપી જિલ્લાના ખેડૂતો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો - Tapiમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો, દેગામા ક્લસ્ટરના 91 ખેડૂતોએ વ્યારા ખાતે મેળવી આધુનિક તાલીમ