calendar_todaySeptember 16, 2026
Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગ
ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.

120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશ
તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખ
મેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો