android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Unjha : ઉમિયા ધામે બે અગ્રણી સંસ્થાઓ વચ્ચે સ્નેહમિલન

calendar_todayNovember 1, 2026

Unjha : ઉમિયા ધામે બે અગ્રણી સંસ્થાઓ વચ્ચે સ્નેહમિલન

ઉંઝા સ્થિત કડવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા નિજ મંદિર શ્રી ઉમિયા માતાજી ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ સહિત 50 જેટલા સભ્યોની ટીમે મા ઉમિયાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના નવનિયુક્ત હોદ્દેદારો સાથે સૌહાર્દપૂર્ણ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના નવનિયુક્ત પ્રમુખ અને નિવૃત્ત આઈએએસ અધિકારી મહેન્દ્રભાઈ એસ. પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ કે. પટેલ (ખોરજ), માનદ મંત્રી મુકેશભાઈ એ. પટેલ સહિતના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓનું ખેસ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેના પ્રતિસાદરૂપે ઊંઝા સંસ્થાનના હોદ્દેદારોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ ડી.એન. ગોલ, ઉપપ્રમુખ દીપકભાઈ એમ. પટેલ, ખજાનચી કાંતિભાઈ એન. પટેલ (રામ), મહામંત્રી રૂપેશભાઈ બી. પટેલ સહિત સમગ્ર ટીમનું ખેસ અને પ્રસાદ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ મહેન્દ્રભાઈ એસ. પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં સમાજના સર્વાંગી વિકાસ અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજની તમામ સંસ્થાઓ અને સંગઠનો એકબીજાના પૂરક બનીને છેવાડાના માનવીના ઉત્થાન, કલ્યાણ અને વિકાસ માટે સાથે મળીને કાર્ય કરે તે સમયની માંગ છે. બંને સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ અને સંકલન વધારી સમાજસેવાના કાર્યોને વધુ વેગ આપવા તેમજ સમાન ધ્યેય સાથે એક મંચ પર આવીને કાર્ય કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શુભેચ્છા મુલાકાત બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્યોએ મા ઉમિયાના નિજ મંદિરે દર્શન કરી પાવડી પૂજન કર્યું હતું. મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર ટીમે ધન્યતા અનુભવી હતી. આ મુલાકાતથી સમાજની બંને અગ્રણી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સંવાદ, સહયોગ અને સંગઠન ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો