android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Uttar Pradesh : કૌશામ્બી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, 7 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ

calendar_todaySeptember 1, 2026

Uttar Pradesh : કૌશામ્બી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, 7 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં 31 ઓગસ્ટે થયેલા ભીષણ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટના મામલે પોલીસ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચિલ્લા શાહબાજી ગામમાં ગેરકાયદેસર ફટાકડાના ઉત્પાદન અને સંગ્રહ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

પ્રયાગરાજ રેન્જના IGએ કરી કાર્યવાહી 

ઘટનાની તપાસ બાદ બેદરકારી બદલ પિંપરી પોલીસ સ્ટેશનના તત્કાલીન ઈન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ઈન્સ્પેક્ટર શિવચરણ રામ, સબ-ઇન્સ્પેક્ટર વિકાસ સિંહ, વિનય સિંહ, અજીત કુમાર સિંહ, અભિષેક ગુપ્તા, મનીષ પાલ અને અમિત દ્વિવેદીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પ્રયાગરાજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) અજય મિશ્ર દ્વારા કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક કાર્યાલય તરફથી આ અંગે સત્તાવાર પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે.

જોરદાર વિસ્ફોટ થયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, 31 ઓગસ્ટે સવારે આશરે 11:30 વાગ્યે ચિલ્લા શાહબાજી ગામમાં આવેલા ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન અને સંગ્રહના સ્થળે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી જાનહાનિ થઈ હતી. ઘટનાને લઈને પિંપરી પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી

તપાસ દરમિયાન સામે આવ્યું કે ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન અને સંગ્રહના આરોપી નૌશાદ અલી સામે અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી હતી. નૌશાદ અલી પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહમૂદપુર મનૌરી કસ્બાનો રહેવાસી છે. તેના ફટાકડા ઉત્પાદન અને સંગ્રહ સંબંધિત પરમિટમાં અનિયમિતતા મળી આવ્યા બાદ 4 એપ્રિલ 2024ના રોજ તેનું પરમિટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

આટલું જ નહીં, ઓક્ટોબર 2024માં નૌશાદ અલી સામે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ચલાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. જોકે, જેલમાંથી બહાર આવ્યા બાદ કથિત રીતે ફરીથી ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

આ પણ વાંચો : Cockroach Movement FIR: સરકારે વચન પાળ્યુ, SCએ રદ કરી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે FIR