android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : ડેસરની સ્પોટ્ર્સ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ

calendar_todayOctober 12, 2026

Vadodara : ડેસરની સ્પોટ્ર્સ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ

ડેસર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે સોમવાર, તા. 12 ઓક્ટોબરના રોજ ખેલ મહાકુંભ-2026 અંતર્ગત જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જિલ્લાના શિનોર, કરજણ, ડભોઈ, સાવલી, પાદરા અને વડોદરા તાલુકાની ટીમોના કુલ 207 જેટલા ખેલાડીએ ભાગ લઈને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો.

સ્પર્ધામાં અં-17 વિભાગમાં 7, ઓપન એજ વિભાગમાં 6, 40 વર્ષથી ઉપરના વિભાગમાં બે તથા 60 વર્ષથી ઉપરના વિભાગમાં બે ટીમે ભાગ લીધો હતો. આમ, વિવિધ વયજૂથની કુલ 17 ટીમે સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખેલાડીઓ માટે જરૂરી રમતગમતની સામગ્રી, ચા-નાસ્તા અને પાણી સહિતની વ્યવસ્થાઓ કરાઇ હતી. સમગ્ર આયોજન બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ સહાયક અરવિંદ પટેલ અને સપોર્ટર ગંભીરિસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પાર પાડયું હતું.

પાદરા તાલુકાના વણછરા ગામની રસ્સા ખેંચની ટીમે સ્પર્ધામાં પાદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વણછરા હાઈસ્કૂલના આચાર્ય સતીશ નાઈ અને ક્લાર્ક કનુ દેસાઈએ પણ 40 પ્લસ ટીમમાં ખેલાડી તરીકે ભાગ લઈને રસ્સા ખેંચની રમતમાં ભાગ લીધો હતો. વણછરા ગામમાં કોચ ઠાકોર ગોહિલ દ્વારા નિયમિત માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરાવાય છે. ગામમાં પુરુષ વિભાગના 50 અને મહિલા વિભાગના 60 મળીને કુલ 110 ખેલાડી આ રમત સાથે જોડાયેલા છે. વણછરા ગામની ટીમો અગાઉ પાંચ વખત રાજ્યકક્ષા સુધી પહોંચી ચૂકી છે. સ્પર્ધામાં 60 વર્ષથી ઉપરના ખેલાડીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને વણછરા ગામના 92 વર્ષીય જેસંગભાઈ મેઘાભાઈ રબારીએ પોતાની ઉંમરને અવગણીને રસ્સા ખેંચની રમતમાં જે ઉત્સાહ અને જુસ્સો દર્શાવ્યો તે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેસંગભાઈ રાજ્યકક્ષાના ખેલમહાકુંભ સહિત બોટાદ, હિંમતનગર તથા પાટણ સહિતનાં સ્થળોએ યોજાયેલી રસ્સા ખેંચ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક ઇનામો મેળવી ચૂક્યા છે. ખેલ મહાકુંભમાં યુવાનોની સાથે વડીલ ખેલાડીઓએ પણ મેદાનમાં ઉતરીને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શારીરિક સ્ફૂર્તિનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો