calendar_todayJanuary 12, 2026
Vadodara:ડભોઇમાં ખાતર મેળવવા 118 ગામના ખેડૂતોને રઝળપાટ
ડભોઇ તાલુકામાં ખેતીની સીઝન જામી છે ત્યારે તાલુકાના 118 ગામના ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇમાં બે-બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. છતાં અનેક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે.
ખાતર મેળવવા ખેડૂતો પાસે આધારકાર્ડ માંગે છે. પરંતુ અંગૂઠાના નિશાન (Biometric) મેચ ન થવાને કારણે વૃદ્ધ ખેડૂતોને ખાતર આપવા નન્નો ભણાય છે. ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બને છે. ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન અપાતા નથી. જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે. તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે. જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે તેમ કહી જવાબદારીમાંથી છટકે છે. અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે જે નવો પાક વાવ્યો છે. તેના માટે ખાતર અનિવાર્ય છે. પરંતુ એક-બે થેલી ખાતર માટે ખેડૂતોએ વલખા મારવા પડે છે. ડભોઇ તાલુકાના 118 ગામોમાંથી ખેતીકામ પડતું મૂકીને આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે, અમારે રોજ ધર્મધક્કા ખાવા પડે છે. ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ, પણ તંત્રની અણઆવડતને કારણે અમારો સમય અને મજૂરી બંને વેડફાય છે. ખેડૂતોની માંગ છે કે, ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને બિનજરૂરી લાઇનોમાં ઉભા ન રહેવું પડે.
આધારકાર્ડ લીંક ન હોય તો ખાતર મળતું નથી
ડભોઇમાં ખાતરના બે ડેપો આવેલા છે. એક જગ્યા પર ખાતર છે. અને બીજી જગ્યાએ પર ખાતર લેવા આવ્યા તો આધારકાર્ડ માંગે છે. આધારકાર્ડ લીંક ના હોય તો ખાતર આપતા નથી. અમે ખેડૂત છે કઈ વેપારી થોડા છે. ધંધો કરવા માટે થોડા ખાતર માંગે છે. અમારી પાસે આધારકાર્ડ લીંક અને અંગૂઠો માંગે છે. એક તો કમોસમી વરસાદને કારણે પાક ખલાસ થયો છે. હવે નવા પાક માટે પણ અમે ખાતર માટે વલખા મારી રહ્યા છે. વહેલી તકે ખાતર ખેડૂતોને મળે તો હવે શિયાળો અને ઉનાળું પાક બચી શકે. - ઈશ્વરભાઈ અંબાલાલ બારીયા, પુડાગામ ખેડૂત
સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળતું નથી
સવારના લાઈનમાં ઊભા છે. 45થી 50 જણા લાઈનમાં છે તો ક્યારે નંબર આવે હાલ ઉતરાયણ છે. લાઈનમાં ઊભા રહ્યાં પછી પણ ખાતર મળતું નથી. એટલે ટોકન નંબર આપો તો ટોકનથી ખાતર મળી રહે. અમે વેપાર કરવા નહીં લઈ જતા ખાતર એ ખેડૂતો છે. બધાને બે ત્રણ થેલી આપે તો બધાનું કામ ચાલે એક તો કમોસમી વરસાદને કારણે ડાંગર કપાસ, દિવેલાનો પાક ખલાસ થયા છે. હવે શિયાળો અને ઉનાળો જે પાક લેવાનો છે. તેના માટે બિયારણ નાખી દીધું છે. ખાતરની જરૂર છે પણ તે માટે ધરમધક્કા ખાવા પડે છે. તો વહેલી તકે ખાતરની વ્યવસ્થા થાય એવી અમારી માંગ છે. - તુલસીદાસ રણછોડભાઈ બારીયા, ગામડી ખેડૂત
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો