calendar_todayAugust 29, 2026
Vadodara: આ વર્ષે 4 ઇંચથી 20 ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિઓની બોલબાલા
શહેરમાં ગણેશોત્સવનું માહત્મ્ય અનેરું હોઇ હજારો આકાર-પ્રકારની શ્રીજીની મૂર્તિઓ દરવર્ષે વેચાવા આવે છે. મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓ સહિત વિરાટ મૂર્તિઓ ગણેશોત્સવ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બનશે.
કૈલાસવાસી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની કલાનગરીમાં કરોડો રૂપિયાના ખર્ચે ગણેશોત્સવનું આયોજન કરાય છે. વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, પેણ, પૂણેમાં અનેક દેવી-દેવતાઓના સ્વરૂપે શ્રીજીની મૂર્તિ તૈયાર કરાય છે. આ વર્ષે બાળ ગણેશ સ્વરૂપે મુઠ્ઠીમાં સમાય એટલી નાની 4 ઇંચની મૂર્તિઓ પણ વેચાવા આવી છે. જેમાં, સોફા પર આરામ ફરમાવતા શ્રીજી, રીંછ-હાથી-ઊંદર-મોર પર સવાર શ્રીજીની નયનરમ્ય મૂર્તિઓ બાળ ગણેશ યુવક મંડળો દ્વારા બુક થવા માંડી છે. મહારાષ્ટ્રથી મગાવાતી બીબાઢાળ મૂર્તિઓ સસ્તી હોય છે. પરંતુ, વડોદરામાં મૂર્તિઓનો સાજ-શણગાર કરી ખૂબજ મોંઘાભાવે વેચવામાં આવે છે, એવો ઊભરો ભક્તોએ ઠાલવી ઉમેર્યું હતું કે મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓેનો હોલસેલ રેટ રૂા.600 જેટલો હોય છે. જેનો સાજ-શણગાર કરી રિટેઇલ બજારમાં રૂા.1200 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. જ્યારે, 3.5 ફૂટની મૂર્તિ હોલસેલ રેટમાં રૂા.10,000ની આસપાસ મળે છે. જે મૂર્તિના સાજ-શણગાર પછી રૂા.28,000 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીની નાની 50,000 કરતા વધુ મૂર્તિઓ વેચાવા આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો