android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: નસવાડી તાલુકાના ધારસિમેલ ગામે DDO દ્વારા વિકાસકામોની સમીક્ષા

calendar_todayAugust 20, 2026

Vadodara: નસવાડી તાલુકાના ધારસિમેલ ગામે DDO દ્વારા વિકાસકામોની સમીક્ષા

ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી ચાલી રહેલી કામગીરી, વિકાસકામોની પ્રગતિ તેમજ સ્થાનિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. અંતરિયાળ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાનો લાભ વધુ લોકો સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. DDO દ્વારા ધારસિમેલ ગ્રુપ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરાયો હતો. વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, શૈક્ષણિક પ્રગતિ અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. શિક્ષકો સાથે ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તા વધુ સારી બને તે માટે જરૂરી સૂચનો અપાયા હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકો સાથે વાતચીત કરી તેમને મળતી પોષણ, શિક્ષણ અને અન્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આંગણવાડી કાર્યકર સાથે પણ કેન્દ્રની કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી. ધારસિમેલ PHCની મુલાકાત દરમિયાન ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને સ્થાનિક લોકોને મળતી સુવિધા અંગે પણ માહિતી મેળવી હતી. ધારસિમેલ વિસ્તારમાંચાલતા વિવિધ વિકાસકામો તથા રસ્તાની સ્થિતિનું પણ સ્થળ પર નિરીક્ષણ કરાયું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) હેઠળ ચાલી રહેલા કામો, લાભાર્થીઓ અને રોજગારીની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા મકાન નિર્માણના કામોની પણ સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન DDO દ્વારા ધારસિમેલ વિસ્તારના પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ ધારસિમેલ ધોધનીપણ મુલાકાત લેવાઇ હતી. ધોધ અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો