android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં

calendar_todaySeptember 14, 2026

Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં

મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડાના મહેમદાવાદ, વડોદરા શહેર, કરજણ અને ડેસર તાલુકામાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કરજણમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોને મોટું નુકસાન થયું છે.

કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં

કરજણમાં ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો જળબંબાકાર બન્યા હતા. સહજાનંદ સોસાયટીના 15થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વાલાવાવ ચોકડીની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન થયું છે.

કરજણમાં 4 કલાકમાં 75 મી.મી. વરસાદ

કરજણ નગરમાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 75 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નગરના જાહેર માર્ગો પાણીમાં ગરકાવ બન્યા હતા. ગીતાંજલિ રોડ, મિયાગામ ચોકડી રોડ, સોનાનગર રોડ અને રણછોડ પાર્ક સોસાયટી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.

Vadodara Rain: 2.5 Inches in 2 Hours, Karjan Homes Flooded

પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો 

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ જો રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી જાય, તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેટલી વિકટ બની શકે તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

વડોદરાના અકોટા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા શહેરના અકોટા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેસર તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.

પાણી ભરાવાની સમસ્યા યથાવત 

વડોદરાના અટલાદરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયાં હતાં. અટલાદરા-બિલ-વડસર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. અલકાપુરી પોલીસ ચોકી પાસે પાણી ભરાતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી, જ્યારે દિનેશ મિલ ગરનાળું પાણીમાં ગરકાવ બન્યું હતું. ભારે વરસાદને પગલે પાણીના નિકાલ માટે પાલિકાના મશીનો પણ અસરકારક સાબિત ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય સમયની તૈયારીઓ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોને વરસાદથી મોટી રાહત

બીજી તરફ, એક મહિનાના લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. સુકાઈ રહેલા ડાંગર અને શાકભાજીના પાકને વરસાદથી નવું જીવન મળ્યું છે. વરસાદ ખેતી માટે રાહતરૂપ બન્યો છે, જોકે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા છે.  


આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’