calendar_todayOctober 12, 2026
Vadodara News: વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર! કરજણ મોટીકોરલ–ભાલોદ નર્મદા બ્રિજના નિર્માણકાર્યનો આરંભ
વડોદરા જિલ્લાના કરજણ પંથકમાંથી પસાર થતી નર્મદા નદી પર લાંબા સમયથી અપેક્ષિત એવા મોટીકોરલ–ભાલોદ બ્રિજના નિર્માણકાર્યના મંગલ શ્રીગણેશ થયા છે. સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે વિધિવત શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના કરીને આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટના પ્રત્યક્ષ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિ બાદ આજરોજથી જ સાઈટ પર બ્રિજ બનાવવાની વાસ્તવિક શરૂવાત કરી દેવામાં આવી છે.
અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સાકાર થશે નવો બ્રિજ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નર્મદા નદી પર અંદાજે રૂ. 225 કરોડના મસમોટા ખર્ચે એક અત્યાધુનિક અને મજબૂત નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ તૈયાર થઈ જવાને કારણે વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચેનો ભૌતિક અંતરાય ઘટશે અને બંને જિલ્લાઓ વચ્ચેની વાહનવ્યવહાર તેમજ અવરજવરની ગતિમાં નોંધપાત્ર વધારો થશે.

વર્ષોથી સ્થાનિક રહેવાસીઓની આ માગણી હતી, જે હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરવા તરફ આગળ વધી રહી છે.
નાવડી દ્વારા જોખમી મુસાફરીમાંથી મળશે કાયમી મુક્તિ
નર્મદા કાંઠાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અત્યાર સુધી નદી પાર કરવા માટે હોડી કે નાવડીનો સહારો લેવો પડતો હતો, જેમાં ભારે જોખમ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બ્રિજના નિર્માણથી નર્મદા કાંઠાના ગામોના લોકોને નાવડી દ્વારા કરવી પડતી દૈનિક મુસાફરીમાંથી હંમેશ માટે રાહત મળવાની આશા બંધાઈ છે.

આ ઉપરાંત આસપાસના ઔદ્યોગિક એકમોમાં નોકરી અને રોજગારી અર્થે જતા શ્રમિકો અને કર્મચારીઓ માટે પણ આ બ્રિજ અત્યંત સુવિધાજનક અને સમય બચાવનાર સાબિત થશે.
આ પણ વાંચો: Vadodara News: યુનાઈટેડ વે અને VNFના ગરબામાં ખેલૈયાઓના મોબાઈલ ચોરાયા, સુરક્ષા સામે ભારે રોષ