calendar_todayAugust 16, 2026
Vadodara News: મકરપુરા એરફોર્સ રોડ પર ટ્રકની ટક્કરે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 108 મોડી પહોંચતા લોકોમાં રોષ
વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રસ્તા પરથી પસાર થઈ રહેલી સેજલ બારિયા નામની યુવતીને એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લીધી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી પરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા.જેના કારણે તે સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.આ સમગ્ર ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
ભારે વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષ
અકસ્માતના આ બનાવ બાદ સ્થળ પર લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા.મુખ્ય માર્ગો પરથી બેફામ રીતે પસાર થતાં ભારે વાહનો અને તેમના ચાલકો સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ઘટના બનતાની સાથે જ લોકોએ ઈમરજન્સી સેવા 108ને જાણ કરી હતી, પરંતુ કલાકો સુધી 108 એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર ન પહોંચતાં ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.અકસ્માતગ્રસ્ત યુવતીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી વધુ રાહ જોયા વિના સ્થાનિક નાગરિકોએ માનવતા દાખવીને તાત્કાલિક પોતાની ખાનગી કારમાં જ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
લોકોમાં તંત્ર સામે રોષની લાગણી
108 મોડી પહોંચવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મકરપુરા પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી ફુટેજ કબજે કરીને તેના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ ગંભીર બેદરકારી દાખવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા