calendar_todayAugust 11, 2026
Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3 ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ
વડોદરા શહેર અને અમદાવાદમાં બોગસ બિલોના આધારે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતી ફાર્મા પેઢીઓ સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.વિભાગની ટીમે દરોડા પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે અને ગંભીર બેદરકારી તથા કાયદાના ઉલ્લંઘન બદલ વડોદરા અને અમદાવાદની ત્રણ જાણીતી ફાર્મા પેઢીઓના પરવાના તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધા છે.
મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા
મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આ પેઢીએ ઉત્તરપ્રદેશથી આશરે 9 હજાર બોટલ જેટલો મોટો કોડીન કફ સીરપનો જથ્થો ખરીદ્યો હતો.આ નશાકારક સીરપના જથ્થાને કાગળ પર છુપાવવા અને બ્લેક માર્કેટમાં વેચવા માટે મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા.
ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા
SD ફાર્મા દ્વારા આ કફ સીરપનો જથ્થો વડોદરાની હરણી વિસ્તારમાં આવેલી 'AJ એન્ટરપ્રાઇઝ' તથા અમદાવાદની 'પ્રાન્સી એન્ટરપ્રાઇઝ'ને સપ્લાય કરવામાં આવ્યો હતો.ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનો જથ્થો સપ્લાય કરવાનો કાળો કારોબાર પકડાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર રેકેટ બહાર આવતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે SD ફાર્મા, AJ એન્ટરપ્રાઇઝ અને પ્રાન્સી એન્ટરપ્રાઇઝ આ ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા છે.તંત્ર દ્વારા આ કેસમાં સંકળાયેલા તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ