calendar_todayMarch 11, 2026
Vadodara News: બરોડા ડેરીમાં નોકરીની લાલચ આપી 39 લાખની ઠગાઈ કરનાર ગણેશ રાઠવા 7 મહિને ઝડપાયો
બેરોજગાર યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવી છેતરપિંડી આચરતા તત્વો સામે વડોદરા SOG એ લાલ આંખ કરી છે. બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા અને છેલ્લા 7 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી ગણેશ રાઠવાની ધરપકડ કરી લેવામાં આવી છે.
નકલી જોઈનિંગ લેટર આપી આચરતો ઠગાઈ
આરોપી ગણેશ રાઠવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. તે યુવાનોને બરોડા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી નોકરી અપાવવાનો વિશ્વાસ આપતો હતો. વિશ્વાસ જીતવા માટે તે ઉમેદવારોને ડેરીના નકલી જોઈનિંગ લેટર પણ પધરાવી દેતો હતો. આ લાલચમાં ફસાઈને અનેક યુવાનોએ પોતાની જિંદગીની મૂડી તેને સોંપી દીધી હતી.
39 લાખની અધધ છેતરપિંડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ અલગ-અલગ યુવાનો પાસેથી કુલ 39 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. પૈસા આપ્યા બાદ જ્યારે યુવાનો ડેરીમાં નોકરી માટે પહોંચતા ત્યારે તેમને ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
વડોદરા એસઓજીએ જેલ ભેગો કર્યો
વડોદરા એસઓજીની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 મહિનાથી નાસતા ફરતા ગણેશ રાઠવાને દબોચી લીધો છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ ધરપકડથી છેતરાયેલા યુવાનોમાં ન્યાયની આશા જાગી છે.
આ પણ વાંચો - Vadodara : કારેલીબાગમાં થોડા સમય પહેલા જ બનાવાયેલા રસ્તામાં મોટો ભુવો પડ્યો, તંત્રની કામગીરી સામે સવાલ