calendar_todayFebruary 14, 2026
Vadodara News: રખડતા કૂતરાનો આતંક યથાવત, હરણીમાં 8 લોકોને ભર્યા બચકા
સંસ્કારી નગરી વડોદરામાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. આ ત્રાસ સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી શિવાલય રેસીડેન્સીમાં કૂતરાઓના આતંકને કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. છેલ્લા બે મહિનામાં આ સોસાયટીના 8 જેટલા લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સોસાયટીમાં ભયનો માહોલ
શિવાલય રેસીડેન્સીમાં આશરે 1 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. અહીં રખડતા કૂતરાઓના ટોળેટોળાં જાણે આખી સોસાયટી પર કબ્જો જમાવીને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, હવે તેમને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. ખાસ કરીને વહેલી સવારે દૂધ લેવા જતી મહિલાઓ અને રાત્રિના સમયે નોકરી પરથી આવતા પુરૂષો માટે આ શ્વાનો મુસીબત બની રહ્યા છે.
બાળકો અને વૃદ્ધોની સુરક્ષા જોખમમાં
સોસાયટીમાં રમતા બાળકો પર પણ અવારનવાર શ્વાનો હુમલો કરવાની કોશિશ કરે છે. બે માસમાં 8 લોકોને બચકા ભર્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોની માગ છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં નસબંધી અને શ્વાનોને પકડવાની કામગીરી તેજ કરે.
તંત્રની કામગીરી સામે સવાલ
વડોદરા શહેરમાં રખડતા શ્વાનોના નસબંધી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં વસ્તી નિયંત્રણમાં આવવાને બદલે શ્વાનો હિંસક બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જો હરણી વિસ્તારમાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.