android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે

calendar_todayJanuary 19, 2026

Valsad: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પારનેરા નજીક હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડી કુલ ₹24,60,288 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જૈન મંદિર પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપાયો

વલસાડ LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારનેરા જૈન મંદિર નજીક હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન MH-04-KU-3455 નંબરનો ટાટા બંધબોડી ટેમ્પો આવતા તેને અટકાવવામાં આવ્યો હતો.

તપાસમાં મળ્યો 3672 બોટલ દારૂનો જથ્થો

પોલીસે જ્યારે ટેમ્પોની પાછળનો ભાગ ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 127 બોક્સ માંથી 3672 બોટલ વિદેશી દારૂ કિંમત ₹14.50 લાખથી વધુનો મળી આવ્યો હતો.₹10 લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ ₹24.60 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહારાષ્ટ્રના ચાલકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર

પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક વિરાટ ઉર્ફે અંશુ ઉર્ફે વિકાસ દુબે (ઉ.વ. 27, રહે. વસઈ, પાલઘર) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભિવંડીના અભિનવ નામના શખ્સે મોકલ્યો હતો. પોલીસે અભિનવ અને ટેમ્પો પૂરો પાડનાર બે અજાણ્યા સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:Amreli: હડકાયા કૂતરાનો હાહાકાર, એક જ દિવસમાં 33 લોકોને બચકા ભર્યા