calendar_todayMay 3, 2026
Valsad News: 'અઘોરી બાબા' બની છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, સીનિયર સિટીઝનને એકના ડબલની લાલચ આપી રૂ.19.60 લાખ પડાવ્યા
આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને અંધશ્રદ્ધા ફેલાવતી એક રીઢા ઠગબાજોની ગેંગને વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. અઘોરી બાબા અને ભુવાનું રૂપ ધારણ કરી નિર્દોષ લોકોને વિશ્વાસમાં લેતી આ ગેંગે વલસાડના એક સીનિયર સિટીઝનને પોતાના શિકાર બનાવી કુલ રૂ.19,60,500થી વધુની રકમની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે પાંચ ભેજાબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈન્ટરનેટના માધ્યમથી અઘોરીના સંપર્કમાં આવ્યા અને લૂંટાયા
ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર સીનિયર સિટીઝન ઈન્ટરનેટના માધ્યમથી આ કથિત અઘોરી બાબાના સંપર્કમાં આવ્યા હતા. આ પાખંડીઓએ સીનિયર સિટીઝનને ધનવાન બનાવવાની અને રુપિયા એકના ડબલ કરી આપવાની જાદુઈ લાલચ આપી હતી. અઘોરી અને ભુવા જેવો વેશ ધારણ કરી આ ઠગબાજોએ ભોગ બનનારને વિધિના નામે ડરાવી અને લાલચ આપીને કટકે-કટકે ઓનલાઈન માધ્યમથી લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 5 ઠગને દબોચ્યા
રૂ.19.60 લાખથી વધુનો ચૂનો લાગ્યા બાદ વૃદ્ધે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનની કડીઓ મેળવીને આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા પાંચેય આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર પાખંડ ફેલાવી લોકોને આકર્ષતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ અને અન્ય સાહિત્ય કબજે કરી, આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો