android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vantara Mandalao MoU : ગુજરાતના વનતારાનો વિદેશમાં ડંકો, લાઓસના જંગલી અને પાલતુ હાથીઓની મફત સારવાર કરશે તબીબી ટીમ

calendar_todaySeptember 9, 2026

Vantara Mandalao MoU : ગુજરાતના વનતારાનો વિદેશમાં ડંકો, લાઓસના જંગલી અને પાલતુ હાથીઓની મફત સારવાર કરશે તબીબી ટીમ

ગુજરાત (ભારત) સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા ‘વનતારા’ અને લાઓસની ‘મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશન’ વચ્ચે હાથીઓની સંભાળ, સારવાર અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એક સમયે ‘દસ લાખ હાથીઓની ભૂમિ’ તરીકે ઓળખાતા લાઓસમાં હાલ માત્ર 400 જંગલી અને 400 જેટલા પાલતુ હાથીઓ બચ્યા છે. આ કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે લુઆંગ પ્રબાંગ ખાતે ‘એલિફન્ટ રેપિડ રિસ્પોન્સ ટીમ’ શરૂ કરવામાં આવી છે. વનતારા દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ એક ‘મોબાઈલ વેટેરિનરી યુનિટ’ પૂરું પાડવામાં આવ્યું છે, જે સમગ્ર લાઓસમાં બીમાર અને ઈજાગ્રસ્ત હાથીઓને તાત્કાલિક મફત તબીબી સારવાર આપશે.

43 વર્ષીય 'મેઈ ખામનોય' હાથીનો બચાવ અને નવજીવન

આ વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ 43 વર્ષીય માદા હાથી ‘મેઈ ખામનોય’ના રેસ્ક્યૂ સાથે થયો છે. આ હાથીએ પોતાનું આખું આયુષ્ય લાકડાં ખસેડવાની ભારે મજૂરીમાં વિતાવ્યું હતું અને આકરી સ્થિતિના કારણે ગર્ભાવસ્થા દરમિયાન બે બચ્ચાં પણ ગુમાવ્યા હતા. તાજેતરમાં તેને રાજધાની વિયેનતિયાનમાં રોડ કિનારે રાખીને પ્રવાસીઓને રાઈડ આપવા માટે વાપરવામાં આવતી હતી. હવે આ હાથીને મંડલાઓમાં નિવૃત્ત જીવન આપવામાં આવ્યું છે, જ્યાં તેને સંતુલિત આહાર, તબીબી સંભાળ અને અન્ય હાથીઓ સાથે રહેવા માટે કુદરતી વાતાવરણ મળશે. આ લોન્ચિંગ સાથે જ વનતારા અને મંડલાઓની ટીમે 12 અન્ય હાથીઓ માટે હેલ્થ કેમ્પનું પણ આયોજન કર્યું હતું.

જંગલી હાથીઓનું રક્ષણ અને સ્થાનિક ક્ષમતા વર્ધન

માત્ર પાલતુ હાથીઓ જ નહીં, પરંતુ આ ભાગીદારી હેઠળ લાઓસના જંગલી હાથીઓની વસ્તી વધારવા, તેમના કુદરતી આવાસના રક્ષણ અને માનવ-હાથી સંઘર્ષ ઘટાડવા માટે પણ લાંબા ગાળાના પ્લાન પર કામ કરવામાં આવશે. વનતારા અને મંડલાઓ દ્વારા સ્થાનિક પશુચિકિત્સકો અને હાથીઓની સંભાળ રાખનારા (મહાવતો) માટે ખાસ તાલીમ કાર્યક્રમો યોજાશે. વનતારાના સ્પેશિયલ ડાયરેક્ટર અજિત કુલકર્ણી અને મંડલાઓના વેટેરિનરી સ્પેશિયાલિસ્ટ ડૉ. ટિમ બાઉટ્સે આ સહયોગને લાઓસના હાથીઓના ઉજ્જવળ ભવિષ્ય અને પશુ કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

આ પણ વાંચો : Bangladesh: શું BRICS સમિટમાં આવશે બાંગ્લાદેશના PM તારિક રહેમાન? વિદેશ મંત્રાલયે આપ્યું મોટું અપડેટ