calendar_todaySeptember 6, 2026
Vapi: છીરીની 3 કિમી લાંબી નહેરમાં પથરાયું કચરાનું સામ્રાજ્યઃ પ્રશાસનની અનદેખી
વાપીના છીરી વિસ્તારમાં આશરે 3 કિલોમીટર લાંબી નહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નહેરમાં પાણીનો પ્રવાહ ન હોય, ત્યારે આસપાસના રહેવાસીઓ દ્વારા ઘરેલુ કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને નહેરમાં ફેંકવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે નહેરનો કેટલોક ભાગ જાણે કચરાપેટી બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
છીરીની નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો સહિતનો વિવિધ પ્રકારનો કચરો જોવા મળી રહ્યો છે. ખાસ ચિંતાની બાબત એ છે કે વરસાદ કે અન્ય કારણોસર નહેરમાં પાણીનો પ્રવાહ શરૂ થાય ત્યારે આ કચરો પાણી સાથે વહીને આગળ બિલ ખાડીમાં અને ત્યારબાદ કોલક નદી સુધી પહોંચવાની શક્યતા છે. આ સ્થિતિ જળ પ્રદૂષણ અને પર્યાવરણ માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે.
છીરીનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ અહીં સફાઈ અને કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની અપેક્ષા હતી. જોકે નહેરમાં જોવા મળતી ગંદકી સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. એક તરફ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ લોકો જાહેર સ્થળો અને નહેરમાં કચરો ન નાખે તે માટેની જાગૃતિ કેટલી અસરકારક રીતે થઈ રહી છે તે તપાસનો વિષય બન્યો છે. સફાઈ કાર્ય માટે ટેન્ડરની શરતો મુજબ આઈઇસી એક્ટિવિટી માટે આશરે 40 સભ્યોની ટીમ રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય, તો આ ટીમ વાસ્તવમાં મેદાનમાં કેટલા પ્રમાણમાં કામગીરી કરે છે તે પણ ચકાસવું જરૂરી છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તેમજ સંબંધિત ઈસ્ટ અને વેસ્ટ ઝોનના સેનિટરી ઇન્સ્પેક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિયમિત મોનિટરિંગ થાય છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. છીરીની નહેરની ગંદકીનો યોગ્ય નિકાલ અને નિયમિત સફાઈ સાથે અસરકારક જનજાગૃતિ હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પર્યાવરણ તેમજ જાહેર આરોગ્યને લગતી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો