calendar_todayApril 5, 2026
Vapi News: ચાલતી ટ્રેનમાં ઉતરવા જતાં યાત્રીનો પગ લપસ્યો, મોત સામે દેખાયું પણ RPF જવાન 'દેવદૂત' બની ત્રાટક્યો
વલસાડ જિલ્લાના વ્યસ્ત ગણાતા વાપી રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા રહી ગયો હતો. પ્લેટફોર્મ પરથી રવાના થઈ રહેલી ચાલતી ટ્રેનમાં ઉતાવળમાં ઉતરવા જતાં એક મુસાફરનો પગ અચાનક લપસી ગયો હતો. મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જીવલેણ જગ્યામાં ખાબકે તે પહેલાં જ ત્યાં તૈનાત RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના જવાનની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે.
RPF જવાનની ક્ષણાર્ધની સ્ફૂર્તિએ જીવ બચાવ્યો
CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેન પ્લેટફોર્મ છોડી રહી હતી ત્યારે એક મુસાફર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સંતુલન ગુમાવતા તે પ્લેટફોર્મ પર પટકાય છે અને ટ્રેનની અડફેટે આવવાની અણી પર હોય છે. આ સમયે ત્યાં ફરજ બજાવતા RPF જવાન પોતાની જાનની પરવા કર્યા વગર સેકન્ડના સોમા ભાગમાં દોડી આવે છે અને મુસાફરને ટ્રેન નીચે જતાં બચાવી ખેંચી લે છે. મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ જવાનની સમયસૂચકતાએ તેને નવું જીવનદાન આપ્યું છે.
રેલવે પ્રશાસનની અપીલ
આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ RPF જવાનની બહાદુરીને બિરદાવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો જવાનને 'રિયલ હીરો' ગણાવી રહ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ફરી એકવાર મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ સંજોગોમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો જોખમી પ્રયાસ ન કરવો, કારણ કે એક નાનકડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો