calendar_todayJanuary 17, 2026
Veravalમાં 80 ફૂટ રોડ અને બંદર રોડ પર ઓવરબ્રિજના ધીમી કામગરી પર ધારાસભ્ય વિમલ ચુડાસમાની કડક તાકેદ
વેરાવળ શહેરના મુખ્ય માર્ગો એવા 80 ફૂટ રોડ અને બંદર રોડ પર ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જનતાની આ મુશ્કેલીઓને ધ્યાને રાખી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.
અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા
ધારાસભ્યએ મુલાકાત દરમિયાન ઓવરબ્રિજના કામમાં વિલંબ થવા પાછળના કારણો જાણવા સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે કામગીરી ધીમી પડવા પાછળના તકનીકી અને વહીવટી કારણો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ માર્ગો શહેરની જીવાદોરી સમાન છે અને કામમાં વિલંબને કારણે ટ્રાફિક જામ તેમજ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
કામમાં ગતિ લાવવા સૂચના
મુલાકાતના અંતે વિમલ ચુડાસમાએ જનહિતને સર્વોપરી ગણીને ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. તેમણે તાકીદ કરી હતી કે જો આગામી દિવસોમાં કામમાં ઝડપ નહીં આવે, તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે. ઓવરબ્રિજ કાર્યરત થવાથી વેરાવળના ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.