calendar_todayMay 2, 2026
VGRC Surat : 3.53 લાખ કરોડના 2,792 MOU થયા : DyCM હર્ષ સંઘવી
સુરતની ઓરો યુનિવર્સિટીમાં 1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા 3,53,306 લાખ કરોડના 2,792 એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે.
દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
વેપારીઓએ ક્યારેય પીછેહઠ કરી નથી
હર્ષ સંઘવીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા 'વાઈબ્રન્ટ ગુજરાત'નો જે વિચાર વહેતો કર્યો હતો, તેના ફળસ્વરૂપે રાજ્યની જીડીપી 1.29 લાખ કરોડથી વધીને આજે 27.09 લાખ કરોડ સુધી પહોંચી છે. છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસયાત્રામાં 'ટીમ ગુજરાત' અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહઠ કરી નથી.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે. વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. તેમણે એક નવતર પહેલ કરતા જણાવ્યું કે હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ નહીં, પરંતુ વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે 'ઓપન ડોર મીટિંગ'નું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે.
મહિલાઓને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે
ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવાની નીતિ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ઈન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દરરોજ 199 એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે, અને આગામી સમયમાં આ આંકડો 500ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઈન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની 25,000થી વધુ મહિલાઓને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : Ahmedabad News: અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો, આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ