android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Viramgam-અમદાવાદ હાઈવે પર કન્ટેનરે રિક્ષાને કચડી, એક મહિલાનું મોત, 3 લોકો થયા ઈજાગ્રસ્ત

calendar_todayJune 15, 2026

Viramgam-અમદાવાદ હાઈવે પર કન્ટેનરે રિક્ષાને કચડી, એક મહિલાનું મોત, 3 લોકો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ વિરમગામ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રક કન્ટેનરે પેસેન્જર ભરેલી લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

સુરેન્દ્રનગર ત્રણ રસ્તા પાસે સર્જાયો અકસ્માત

આ હૃદયદ્રાવક ઘટના વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા સુરેન્દ્રનગર ત્રણ રસ્તા નજીક બની હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલી લોડિંગ રિક્ષાને એક બેફામ ગતિએ આવતા ટ્રેલર કન્ટેનર ટ્રકના ચાલકે પાછળથી ધડાકાભેર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષાના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. રિક્ષાને ટક્કર માર્યા બાદ કંટ્રોલ ગુમાવી બેસેલું કન્ટેનર રોડ સાઈડમાં આવેલા એક મોટા ખાડામાં જઈને ખાબક્યું હતું.

વિરમગામ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ રિક્ષામાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી ત્રણ મહિલાઓને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના શબને પીએમ અર્થે મોકલી આપી, કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો