calendar_todayJanuary 1, 2026
Viramgam: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા હસ્તે નવા વર્ષની ભેટ, 497 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કરાયું ખાતમુહૂર્ત
નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ₹497 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરી રાજ્યની પ્રગતિને નવી ગતિ આપી છે. આ પ્રોજેક્ટ્સમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે ઓવરબ્રિજ અને કનેક્ટિવિટીના મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે.
ડબલ એન્જિન સરકારની કાર્યક્ષમતાની કરી વાત
જનમેદનીને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ક્યારેક પછાત ગણાતો માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે SIR (Special Investment Region) અને ઓટો હબ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે બિહારના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરી ઉમેર્યું કે હવે સમગ્ર દેશ 'વિકાસની રાજનીતિ'ને સ્વીકારી રહ્યો છે. ડબલ એન્જિન સરકારની કાર્યક્ષમતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
કનેક્ટિવિટી અને ટ્રાફિક નિવારણ અંગે કરી વાત
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખાસ નોંધ્યું કે,છેલ્લા 3 વર્ષમાં માંડલ-બેચરાજી SIR માટે ₹488 કરોડના કામો પૂર્ણ થયા છે. કોકતા ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનવાથી 1 લાખ નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને ઈંધણ-સમયની બચત થશે. ભારતમાં હાઈવે નિર્માણની ગતિ 12 કિમીથી વધીને 34 કિમી પ્રતિ દિવસ થઈ છે. ગુજરાત સરકારે 'નમો શક્તિ એક્સપ્રેસ-વે' અને હાઈસ્પીડ કોરિડોર માટે ₹10,000 કરોડની ફાળવણી કરી છે.
સ્થાનિક પ્રતિસાદ અને સામાજિક પહેલ
જ્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં વિરમગામને ₹2500 કરોડથી વધુ ના વિકાસકામો મળ્યા છે, જેનો લાભ શંખેશ્વર અને બેચરાજીના શ્રદ્ધાળુઓને પણ મળશે. કાર્યક્રમ દરમિયાન 'સુપોષિત ગુજરાત અભિયાન' અંતર્ગત આંગણવાડી કાર્યકરોને મિલેટ બાસ્કેટ એનાયત કરવામાં આવી હતી. અંતમાં, મુખ્યમંત્રીએ ઔદ્યોગિક વિકાસની સાથે 'સ્વચ્છતા'ને જીવનશૈલી બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar News : ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટ્રકે સગર્ભા મહિલાનો લીધો જીવ